શેરબજારમાં કોરોનાનો કહેર: 4.58 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

શેરબજારમાં કોરોનાનો કહેર: 4.58 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
સેન્સેક્સમાં 800 અને નિફ્ટીમાં 250 પોઈન્ટનાં ગાબડાથી અફરાતફરી

મુંબઈ,તા.21: સવારે મામૂલી ઘટાડા સાથે ખૂલેલા શેરબજારમાં બંધ થતાં સુધીમાં બૂકડો બોલી ગયો હતો. બપોરે બજારમાં ઓચિંતો તીવ્ર ઘટાડો શરૂ થયો હતો. જેમાં સેન્સેક્સ 800 અંકો અને નિફ્ટી 2પ0 અંક જેટલો તૂટી ગયો હતો. આજે બજારમાં મચેલી તબાહીમાં રોકાણકારોએ કુલ 4.પ8 લાખ કરોડ રૂપિયાની મૂડી ગુમાવી દીધી હતી.
શેરબજારમાં આજે પડેલા ગાબડાનું મુખ્યકારણ નફાબાંધણું રહ્યું. આજનાં કારોબારમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલનાં શેરોમાં પ્રોફિટ બૂકિંગ જોવા મળ્યું હતું અને તેની ચાલે આખી બજારમાં હાહાકાર મચી ગયો હતો. આ સાથે જ બેકાબૂ બનેલા કોરોના સંક્રમણની બીજી લહેરની આશંકાએ પણ બજારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આજે દિવસ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતાં કે બ્રિટનમાં ફરીથી લોકડાઉનની વિચારણા ચાલે છે. તો સ્પેન અને અન્ય યુરોપિયન દેશોમાં પણ નવેસરથી પ્રતિબંધો લાગુ થવા જઈ રહ્યા છે. આ અહેવાલોએ ભારતીય શેરબજારમાં ભયનું લખલખું પસાર કરી નાખ્યું હતું અને તોફાની વેચવાલીએ ભારે અફરાતફરી મચાવી દીધી હતી.
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 811.68 અંક એટલે કે 2.09 ટકા ઘટીને 38,034.14 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી પણ 254.40 પોઇન્ટ એટલે કે 2.21 ટકા ઘટીને 11,250.55 ની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં ઈન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ નબળો રહ્યો હતો. તેમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
વેપારીઓના મતે યુરોપમાં કોવિડ -19 ના વધતા જતા મામલાની ચિંતા વચ્ચે વિશ્વના મુખ્ય શેર બજારોમાં અચાનક વેચવાલીની અસર સ્થાનિક શેર બજારોમાં પડી હતી. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં ચીનના શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સિઓલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. યુરોપમાં મોટા વેપારમાં પણ શરૂઆતના વેપારમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. દરમિયાન, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 2.04 ટકા ઘટીને 42.27 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. અહીં વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 7 પૈસા મજબૂતી સાથે યુએસ ડોલર સામે 73.38 ની સપાટીએ બંધ રહ્યો છે.
સ્થાનિક શેરબજારમાં ઘટાડા છતાં, ડોલર સામે રૂપિયો 7 પૈસાના વધારા સાથે 73.38 (પ્રોવિઝનલ) પર બંધ રહ્યો છે. ઇન્ટરબેક્ન વિદેશી વિનિમય બજારમાં, સ્થાનિક ચલણ યુએસ ડોલરની સામે  73. 43 ની સપાટીએ ખુલ્યું હતું અને ટ્રાડિંગના અંતે ડોલર સામે 73.38 પર બંધ થયું હતું, જે પાછલા બંધ ભાવ કરતા સાત પૈસાના વધારાને સૂચવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer