ગુજરાતમાં 1.05 લાખ દરદી થયા કોરોનામુક્ત

ગુજરાતમાં 1.05 લાખ દરદી થયા કોરોનામુક્ત
24 કલાકમાં નવા 1430 કેસ, 17 મૃત્યુ, 1316 ડિસ્ચાર્જ
 
અમદાવાદ, તા. 21 : ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થયેલા ચોમાસુ સત્રના પ્રથમ દિને કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીનો સંકલ્પ રજૂ કરીને વાહ વાહી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે બીજી બાજુ સતત ચોથા દિવસે કોરોના સંક્રમિતના 1430 નવા કેસ નોંધાયા છે. જેને લઇને કુલ પોઝિટિવ કેસનો આંક 1,24,767 થયો છે. આ ઉપરાંત ગુજરાતમાં વધુ 17 કોરોના દર્દીના મૃત્યુ નીપજતા કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 3339 પર પહોંચ્યો છે. આજે સારી બાબત એ છે કે, ગુજરાતમાં 1316 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોના ડીસ્ચાર્જ  દર્દીનો આંક 1.05 લાખ પર પહોંચ્યો છે જે 84.23 ટકા થાય છે.
ગુજરાતમાં ડાંગ સિવાયનાં 32 જિલ્લામાં 1430 કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે જેમાં સુરતમાં 290, અમદાવાદમાં 177, રાજકોટમાં 143, જામનગરમાં 123,વડોદરામાં 137, ગાંધીનગરમાં 47, મહેસાણામાં 60, બનાસકાંઠામાં 52 તેમજ અન્ય જિલ્લામાં 40થી ઓછા કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં 6, અમદાવાદમાં 3, વડોદરામાં 4, ભાવનગરમાં 2 જ્યારે ગીર સોમનાથ અને રાજકોટમાં 1-1 મૃત્યુ જાહેર થયા હતા.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના આંકડા છુપાવવાનો પ્રયાસ મૃતકના ઓડિટ રિપોર્ટનો આધાર લઇને કરવામાં આવ્યો છે. સત્તાવાર રીતે રાજ્યમાં 3339 કોરોના દર્દીના મૃત્યુનો આંકડો દર્શાવ્યો છે પરંતુ બિનસતાવાર રીતે ગુજરાતમાં 5 થી 6 હજાર લોકોના મૃત્યુ નિપજવાનો અંદાજ છે. ગુજરાતમાં હાલ 16,337 એક્ટિવ કેસ છે જેમાં 89 વેન્ટિલેટર પર અને 16248 સ્ટેબલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer