ધાંધલ ધમાલ કરનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ

ધાંધલ ધમાલ કરનારા  8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ

કૃષિ ખરડા વખતે રાજ્યસભામાં તોડફોડ મચાવનાર સાંસદો સામે કાર્યવાહી: આદેશ પછી પણ ગૃહ નહીં છોડવા હઠ: સસ્પેન્શનનાં વિરોધમાં ધરણા : ઉપસભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ ખારીજ
 
નવીદિલ્હી,તા.21: કૃષિ ખરડા મુદ્દે રવિવારે રાજ્યસભામાં વિપક્ષની અભૂતપૂર્વ ધાંધલ-ધમાલ અને સદનની ગરીમાનું હનન કરતી ઘટનાએ આજે પણ સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી હતી. રાજ્યસભામાં શર્મનાક દૃશ્યો સર્જનારા વિપક્ષનાં આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતાં ફરીથી વિપક્ષીદળોનાં તોફાની વિરોધ વચ્ચે રાજ્યસભા પાંચ વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બીજીબાજુ સસ્પેન્ડ થયેલા સાંસદોએ ગૃહ છોડવા ઈન્કાર કરી દીધો હતો અને વિપક્ષે સરકાર વિરુદ્ધ ભારે હંગામો સર્જી દીધો હતો. ત્યારબાદ સસ્પેન્શનની વિરુદ્ધ વિપક્ષી સાંસદોએ સંસદભવનનાં પટાંગણમાં ધરણા પ્રદર્શન પણ કર્યા હતાં.  રાજ્યસભાનાં ઉપસભાપતિ હરિવંશ સિંહ સામે વિપક્ષી દળોએ લાવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પણ સભાપતિ વેંકૈયા નાયડુએ ખારિજ કરી નાખ્યો હતો. બીજીબાજુ વિપક્ષો દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાતનો સમય પણ માગ્યો હતો. વિપક્ષો કૃષિ સંબંધિત ખરડાઓ ઉપર હસ્તાક્ષર નહીં કરવાં અને તેને રાજ્યસભામાં પરત મોકલવાની માગણી કરવામાં આવશે. તો એનડીએનાં સહયોગી દળ શિરોમણી અકાલીદળે પણ આજે રાષ્ટ્રપતિને મળીને રાજ્યસભાએ મંજૂર કરેલા ખેડૂત વિરોધી ખરડાને બહાલી નહીં આપવાની માગણી કરી હતી.
આજે સંસદીય કાર્ય રાજ્યમંત્રી વી.મુરલીધરને વિપક્ષનાં 8 સાંસદોને બાકી સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યો. જેથી તૃણમૂલ કોંગ્રેસનાં ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેના, કોંગ્રેસનાં રાજીવ સાતવ, સૈયદ નઝીર હુસેન અને રિપુન બોરા, આપનાં સંજય સિંહ, માકપાનાં કે.કે.રાગેશ અને ઈલામારમ કરીમને ગૃહમાંથી સસ્પેન્ડ જાહેર કરવામાં આવ્યા હતાં. આમ છતાં આ સાંસદો ગૃહ છોડવા તૈયાર થયા નહોતા. વારંવાર હોબાળો સર્જાતા ગૃહની કામગીરી ખોરવાઈ હતી અને આખરે સમગ્ર દિવસ માટે રાજ્યસભાને સ્થગિત કરવી પડી હતી. ત્યાર પછી સસ્પેન્ડ થયેલા સાંસદો પોતાનાં પક્ષનાં અન્ય સહયોગીઓ સાથે સંસદભવનનાં પટાંગણમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા ઉપર બેસી ગયા હતાં.
પોતાનાં સાંસદો સસ્પેન્ડ થતાં વિપક્ષીદળો બેહદ આક્રમક થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસે આ કાર્યવાહીને સરકારની નિરંકુશ માનસિકતા ગણાવી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપ ઉપર લોકતંત્રની હત્યાનો આરોપ મૂકતા કહ્યું હતું કે, તેઓ સંસદથી લઈને સડક સુધી ફાંસીવાદી સરકાર સામે લડી લેશે.
આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડુએ સાંસદોને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, એક દિવસ પૂર્વે ઉપલા ગૃહમાં કેટલાક વિપક્ષી સદસ્યોનાં આચરણ દુ:ખદ, અસ્વીકાર્ય અને નિંદનીય હતા. આ સાથે જ તેમણે ઉપસભાપતિ વિરોધી અવિશ્વાસનો પ્રસ્તાવ પણ નકારી કાઢ્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, સદસ્યોએ કોરોના સંબંધિત શારીરિક અંતરનાં નિયમોનું પણ ઉલ્લંઘન કર્યુ હતું. ઉપરાંત ઉપસભાપતિ હરિવંશ સાથે પણ દુર્વ્યવહાર કરાયો હતો. માઈક ઉખાડવામાં આવ્યું અને નિયમોની પુસ્તિકા ફેંકવામાં આવી હતી.
સભાપતિએ સસ્પેન્ડ કરવામાં આવેલ સદસ્યોને વારંવાર નામ લઈને ગૃહની બહાર નીકળવા જણાવ્યું હતું પણ એ લોકો કોઈ હિસાબે બહાર જઈ રહ્યા નહોતાં. ભારે હંગામા વચ્ચે પાંચ વખત ગૃહની કાર્યવાહી બાધિત થઈ હતી. દિવસભર માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખી દેવામાં આવ્યા પછી વિપક્ષનાં સાંસદોએ પટાંગણમાં ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું હતું. ભાજપે વિપક્ષી સાંસદોનાં આ વ્યવહારને ગુંડાગીરી ગણાવી દીધી હતી.
રાજ્યસભામાં આજનો દિવસ હંગામા વચ્ચે વેડફાઈ ગયા બાદ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિને મળવાનો સમય પણ માગ્યો હતો. કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિપક્ષો તરફથી રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવશે કે તેઓ રાજ્યસભાએ મંજૂર કરેલા વિધેયકોને મંજૂર ન કરે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer