6 રવીપાકના ટેકાના ભાવ વધારાયા

6 રવીપાકના ટેકાના ભાવ વધારાયા
કૃષિબિલ અંગે કિસાનોના રોષને ઠંડો કરવા મોદી સરકારે 50 રૂા.થી 300 સુધી એમએસપી વધારી
 
નવી દિલ્હી, તા.21 : દેશમાં સરકારના કૃષિ સંબંધિત ખરડાઓના વિરોધ વચ્ચે ખેડૂતોનો રોષ ઓછો કરવાના ઉદ્દેશથી કેન્દ્રની મોદી સરકારે આજે છ રવી પાકો માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) 50 રૂપિયાથી 300 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે.
મોદી સરકાર લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિથી સંબંધિત ખરડા પસાર કરાવી ચૂકી છે અને ખેડૂતોમાં આ ખરડાઓ સામે રોષ છે ત્યારે મોદી કેબિનેટે રવી પાકો માટે એમએસપીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં આ અંગે એક નિવેદન પણ આપ્યું હતું.
કૃષિ મંત્રીએ લોકસભામાં એમએસપી વધારવાની ઘોષણા કરી હતી. તોમરે કહ્યું હતું કે આ કદમથી અમે સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ કે સરકાર દ્વારા એમએસપીને હટાવવામાં આવી નથી. જે છ રવી પાકના ન્યૂનતમ ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે તેમાં ઘઉંમાં 50 રૂપિયા, જવમાં 75 રૂપિયા, કુસુમમાં 112 રૂપિયા, ચણામાં 225 રૂપિયા, સરસવમાં 225 રૂપિયા અને મસૂરમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વધારાનો સમાવેશ થાય છે.
દેશમાં કિસાનોથી જોડાયેલા બિલ પર બબાલ મચી છે ત્યારે કેન્દ્ર સરકારે રવી પાકોના એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. દેશના અનેક ભાગોમાં તો એમએસપીને લઈને જ વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં કિસાનો પ્રદર્શન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારપૂર્વક કહી ચૂક્યા છે કે એમએસપીની વ્યવસ્થા જારી રહેશે. પાકની સરકારી ખરીદી પણ જારી રહેશે. આમ છતાં દેશમાં કિસાનોના દેખાવ જારી છે.
 
 
અતિવૃષ્ટિથી નુક્સાની ા ગુજરાતનાં ખેડૂતોને $3700 કરોડનું સહાય પેકેજ
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.21: ભારે અને સતત વરસાદને લીધે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુક્સાની ગઇ છે. ચારેકોરથી ખેડૂત સમાજમાં ઉહાપોહ થયા પછી સરકારે સર્વે બાદ સહાય પેકેજની જાહેરાત વિધાનસભાના પ્રથમ દિવસે કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ નુક્સાન સામે રૂ. 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો પેકેજના લાભ માટે  1લી ઓક્ટોબરથી ઓનલાઇન અરજી કરી શકશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાની શરુઆત સારી-સમયસર હતી. આરંભે માફકસર વરસાદ પછી કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને ખેતરોમાં પાણી ભરાતા ખેત પાકોને નુક્સાન થયું હતુ. મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે પાક ખરાબ થઇ ગયો હતો.
19 સપ્ટેમ્બરની સ્થિતિએ  રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5000 ચુકવાશે. અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને લાભ મળશે.
આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેમ પણ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું.
સહાય પેકેજમાં જે 20 જિલ્લાઓના 123 તાલુકાઓનો સમાવેશ કરાયો છે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના 89 તાલુકા, દ.ગુજરાતના 4 જિલ્લાના 17 તાલુકા, મધ્યગુજરાતના 1 જિલ્લાના 2 તાલુકા જ્યારે ઉત્તરગુજરાતના 3 જિલ્લાના 14 તાલુકાનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer