શેત્રુજીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતા મૃત્યુ: પુત્રને તરવૈયાએ બચાવ્યો

તળાજા, તા.21: તળાજાના શેત્રુજી નદીમાં નાહવા પડેલા પિતા-પુત્ર અચાનક ડૂબવા લાગતાં તણાઈ જતાં પિતાનું મૃત્યુ નિપજયું હતું. જ્યારે પુત્રને બચાવવામાં સ્થાનિક તરવૈયાઓ સફળ રહ્યાં હતાં, એમ એક બનાવમાં તળાજાના ઝાંઝમેરના દરિયામાં નાહવા પડતા ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતાં. જેમાં કિશોરનું મૃત્યુ નિપજયું હતું અને અન્ય બે વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તળાજાના ટીમાણા ગામે રહેતા ખેડૂત પરિવારના માતા પિતા પોતાના બંને સંતાનો દીકરી, દીકરાને લઈ નજીકમાં વહેતી શેત્રુંજી નદીમાં નાહવા અને કપડાં ધોવા ગયા હતા. આ સમયે પિતા અને પુત્ર બંને તણાવા અને ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયા દ્વારા પુત્રને બચાવી શક્યા હતા. યુવાન પિતાનું મોત થતા ધાંધલીયા પરિવારનો માળો વિખાયો હતો.
‘કયા ભરોસા હે ઇસ જિંદગીકા’ આ શબ્દોને ચરિતાર્થ કરતી દુ:ખદ ઘટના તળાજાના ટીમાણા ગામે બનવા પામી હતી. ટીમાણા ગામના ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ધાંધલીયા પરિવારના મુકેશ લાભશંકરભાઈ (ઉ.વ.35), પત્ની દક્ષાબેન, દીકરો દીક્ષિત (ઉ.વ 10) અને દીકરી ઉર્વીબેન ગામ નજીકથી વહેતી શેત્રુંજી નદીમાં કપડાં ધોવા અને નાહવા ગયા હતા. મુકેશભાઈ પોતાના દીકરા દીક્ષિત સાથે ન્હાતા હતા. તે સમય દરમિયાન પાણીનું તાણ વધારે હોય નદીમાં તણાવા લાગ્યા હતા. જેમાં સ્થાનિક તરવૈયા  દીક્ષિતને બચાવી લેવામાં સફળ થયા હતા. મુકેશભાઈ પાણીમાં  તરતા આવડતું હોવા છતાંય ગરકાવ થઈ ગયા હતા. એકાદ કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો.
ગામના પૂર્વ સરપંચ જીતુભાઇ પનોતએ જણાવ્યું હતું કે ગામના બે મુસ્લિમ તરવૈયા યુવકો ઇરફાનભાઈ અને ઇકબાલભાઈએ નાનકડા દીક્ષિતને બચાવી લીધો હતો. બનાવના પગલે  સાંસદ પી.એ.તુલસીભાઈ મકવાણાને ખબર પડતાં તેઓએ ડે.કલેક્ટરને જાણ કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમ દોડી ગઈ હતી.
જીતુભાઇ એ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના શેત્રુંજી નદી પરનો પુલ ન બનવાના કારણે બની છે. ટીમાણાં દાંતરડ ગામને જોડતો પુલ મંજુર થઈ ગયો છે. કોન્ટ્રકટર નક્કી થઈ ગયા છે. તેમ છતાંય લાંબા સમયથી એજન્સી કામ કરતી નથી. લોકો સખત પરેશાન થાય છે.
અન્ય એક બનાવમાં તળાજાના કેરાળા ગામના ભાલિયા પરિવારના સભ્યો આજે બપોરે ઝાંઝમેર મધુવન નજીક આવેલ બીચ પર દરિયાના પાણીમાં નાહવા ગયા હતા. જેમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા. બે નો બચાવ થયો હતો. બંનેને તળાજા ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક કિશોરનું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈથી લોકડાઉનના પગલે તળાજાના કેરાળા ગામે આવેલા ભાલિયા પરિવારના સભ્યો મધુવન ઝાંઝમેર નજીક આવેલા રમણીય દરિયાના બીચ પર ન્હાવા ગયા હતા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક ત્રણ સભ્યો ડૂબવા લાગતા બે સભ્યો બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. જોકે તેઓને સારવારની જરૂર હોય તાત્કાલિક અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેની સારવાર ચાલુ છે. ત્રીજી વ્યક્તિ દેવાંગ અનિલભાઈ ભાલિયા (ઉ.વ.13)ની મૃત્યુ પામતા તેનો મૃતદેહને પી.એમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer