‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’ : જૂનાગઢ મનપાના વાહન ઉપર સ્ટીકર લગાડાયા

જૂનાગઢ,તા. 21 : મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુરાજા જેવા વહીવટના ભાગરૂપે અધિકારીઓ, પદાધિકારીઓ, મહાપાલિકાના વાહનોનો બેફામ દુરૂપયોગ કરવા છતાં કોઇ ન અટકાવતા જનતા ગેરેજ ગ્રુપ દ્વારા આજે મનપા કચેરી ખાતે મનપાના વાહનોમાં ‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’ તેવા સ્ટીકર લગાડાતા ચકચાર ફરી વળી હતી.
મહાપાલિકામાં વાહનોનો ડીઝલ ખર્ચે વર્ષે બે કરોડથી વધારે છે. કારણ કે અંકુશના અભાવે અધિકારીઓ અને પદાધિકારીઓ મનપાના વાહનોનો મનસ્વી રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ સામે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
જૂનાગઢની જનતા પેટે પાટા બાંધી મનપાના વેરા ભરે છે છતાં તેઓને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. આ અંગે રજૂઆત કરાય તો નાણાંભીડનું કારણ આગળ ધરવામાં આવે છે જ્યારે મનપાના વાહનો પાછળ કરોડોનો ધૂમાડો થાય છે.
અધિકારીઓ અને પદાધિકારીઓ મનપાના વાહનોનો મોટાપાયે દુરૂપયોગ કરી રહ્યા છે તેમાં પ્રજાના પૈસાથી જ ડીઝલ ભરવામાં આવે છે. પણ પ્રજાજનોની વેદના ન સંભળાતા અંતે જનતા ગેરેજ ગ્રુપ દ્વારા અંતે મનપાના વાહનો ઉપર સ્ટીકર લગાડતા કમિશનર ચોંકી ઉઠયા હતા. અને પગલા ભરવાની ખાતરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer