સુરતમાં 70 તબીબોએ પ્લાઝમા દાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

સુરત, તા. 21: કોરોના સામે લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. શહેરનાં મોટા વરાછા મેડિકલ એસોસિએશનના 70 તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી છે, જેમાં 37 તબીબોએ પ્લાઝમા અને 33 તબીબોએ બ્લડ દાન કરીને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
મોટા વરાછા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. સંજય ઠુમ્મરે જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વાયરસની શરૂઆતથી જ આરોગ્ય સેવા આપવામાં યોગદાન આપી રહ્યા છીએ. એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી પ્લાઝમા મળી રહે તેમજ જરૂરતમંદને રક્ત પણ મળી રહે એ હેતુથી જાગૃત્તિ ઝુંબેશ ઉપાડી હતી. જેમાં અસોસિએશનના 70 તબીબો કે જેમને કોરોનાના લક્ષણો જણાયા હતા. તેઓએ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતા શાહનો સંપર્ક કરી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા હતા. 37 ડોક્ટરના એન્ટીબોડી બન્યા હોવાથી તેમણે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યુ. અન્ય  33 તબીબોએ રક્તદાન કર્યું છે.
એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણી જણાવે છે કે, મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે અમે પ્લાઝમા સાથે રક્તદાન પણ થાય એ માટે સક્રિય છીએ.  ડો.વાઘાણીએ વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન સેવા આપતા ઘણા તબીબો સંક્રમિત થયા છે. હું પણ કોરોના સંક્રમિત થયો હતો. અને સાજો થઈને 28 દિવસ બાદ પહેલી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પંદર દિવસ બાદ ફરી જરૂર જણાશે તો પ્લાઝમા આપવા તૈયાર છું. તેવી જ રીતે સેવાના હેતુંથી એસોસિએશનના અન્ય તબીબો પણ ખભે-ખભા મિલાવીને લોકોને કોરોનાથી બચાવવા અને કોરોના સામેનો જંગ જીતવા પ્રયત્નો કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer