સુરેન્દ્રનગરના વેપારીને વ્યાજખોરોના ત્રાસના કારણે ઘર છોડવું પડયું

 સટ્ટામાં રૂ. 22 લાખ હારી જતાં છ શખસ પાસેથી વ્યાજે નાણા લીધા’તાં
વઢવાણ, તા. 21:  સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતાં અને મહેતા માર્કેટમાં મીત ટ્રેડર્સ નામની દુકાન ધરાવતાં ધાર્મિકભાઇ ગોસલિયા નામના વેપારીને વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડવું પડયું હતું.
આ અંગે તેની પત્ની પ્રિયાબહેન ગોસલિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, તેનો પતિ ધાર્મિક સટ્ટો રમતો હતો. સટ્ટામાં તે રૂ. 22 લાખ જેવી રકમ હારી ગયો હતો. આથી તેણે માનવ મંદિર પાસે રહેતાં બાલસિંગ રાઠોડ પાસેથી માસિક 15 ટકા લેખે રૂ. આઠ લાખ, દાળમીલ રોડ પર રહેતા જયરાજસિંહ ચુડાસમા (ભાણુભા) પાસેથી 60 ટકાના વ્યાજે રૂ. અઢી લાખ, રાજભા ઝાલા પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂ. ચાર લાખ, રૂદ્રભાઇ રાણાભાઇ તલસાણાવાળા પાસેથી સાત ટકે રૂ. બે લાખ, એસી ફૂટના રોડ પર રહેતાં મહેશ મોતિભાઇ મોરી પાસેથી 15 ટકા લેખે રૂ. બે લાખ, રણુભાઇ કાઠી પાસેથી 15 ટકાના વ્યાજે રૂ. બે લાખ લીધા હતાં. વ્યાજે લીધેલા નાણાં ચૂકવી દીધા હોવા છતાં આ છ શખસ દ્વારા દુકાને અને ઘેર આવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. એટલું જ નહીં પણ દુકાન અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપતા હતાં. આ વ્યાજખોરોના ત્રાસના કારણે પતિ ધાર્મિક ગોસલિયા ઘર છોડીને જતો રહ્યો છે. પોલીસે તપાસ  શરૂ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer