કુચિયાદડમાં ફેકટરીમાં ચડ્ડી બનિયનધારી ધાડપાડુ ગેંગ ત્રાટકી : રીવોલ્વર-છ કાર્ટીસની ચોરી

 સીસીટીવી કેમેરામાં છ બુકાનીધારી કેદ : શોધખોળ
રાજકોટ, તા.ર1 : કુવાડવાના કુચિયાદડ જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં મોડીરાત્રીના ચડ્ડી બનિયનધારી ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને ઓફિસમાંથી રીવોલ્વર અને છ કાર્ટીસની ચોરી કરી નાસી છૂટયા હતા. ફેકટરીના સીસીટીવી કેમેરામાં મોઢે બુકાની બાંધેલા છ ધાડપાડુ કેદ થઈ જતા વર્ણનના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે કુવાડવાના કુચિયાદડ જીઆઈડીસીમાં શ્રીનાથજી ઈન્ડ. એસ્ટેટમાં આવેલી બોમ્બે સુપર હાઈબ્રીડ સીડસ લી. કંપની નામની ફેકટરીમાં મોડીરાત્રીના ચડ્ડી બનિયનધારી ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને ફેકટરીની ઓફિસના તાળા તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કોઈ માલમત્તા હાથ નહીં લાગતા રૂ.40 હજારની કિંમતની પરવાનાવાળી રીવોલ્વર અને છ કાર્ટીસ તથા એક તલવારની ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગેની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઈમબ્રાંચ-એસઓજીનો સ્ટાફ દોડી ગયો હતો અને ફેકટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા મોઢે બુકાની બાંધેલા છ જેટલા ચડ્ડી બનિયનધારી શખસો જોવા મળ્યા હતા. પોલીસે કુવાડવા ગામે રહેતા અરવિંદ ઉર્ફે પીન્ટુ  જાદવભાઈ કાકડિયાની  ફરિયાદ પરથી અજાણ્યા ધાડપાડુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આસપાસના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરો શંકાના દાયરામાં આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer