દાહોદથી મજૂરોને લઇને સૌરાષ્ટ્ર આવતી ખાનગી બસ પલટી ખાઇ ગઇ: 100 ઘવાયા

દાહોદથી મજૂરોને લઇને સૌરાષ્ટ્ર આવતી ખાનગી બસ પલટી ખાઇ ગઇ: 100 ઘવાયા
સંતરામપુરના પઢારિયા ગામ પાસેની ઘટના
વડોદરા, તા. 21: દાહોદથી મજૂરો લઇને સૌરાષ્ટ્રના કાલાવડ ગામે જઇ રહેલી ખાનગી બસ મહીસાગર જિલ્લાના સંતરામપુરના પઢારિયા ગામ પાસે પલટી ખાઇ જતાં 100 લોકોને ઇજા થઇ હતી. બસમાં 100 મુસાફરને બેસાડીને બસવાળાએ કોરોનાની ગાઇડ લાઇનના લીરેલીરા ઉડાવ્યા હતાં.
દાહોદના સંજેલીથી મજૂરોને લઇને ખાનગી ટ્રાવેલ્સની બસ સૌરાષ્ટ્રના કાલાવડ ગામે જવા રવાના થઇ હતી. 50 મુસાફરની ક્ષમતાવાળી બસમાં 30 મુસાફરને બેસાડવાનો  નિયમ હોવા છતાં બસમાં નાના મોટા 100 જેટલા મુસાફર (મજૂર)ને ભરવામાં આવ્યા હતાં. બસ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ગમે તે કારણોસર બસ અચાનક પલટી મારી ગઇ હતી અને બસમાં મુસાફરી કરી રહેલા 100 જેટલા મજૂરને નાની મોટી ઇજાઓ થઇ હતી. સદ્નસીબે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. બસના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer