પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ મહિલા સહિત પાંચ ઝડપાયા

પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ  મહિલા સહિત પાંચ ઝડપાયા
મોડાસા, તા.ર1 : દાહોદના મનખોસલા ગામે રહેતા મુકેશ મતાભાઈ ડામોર નામના યુવાનને ગ્રામ્ય વિસતારમાં રહેતી શિતલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પ્રેમી પંખીડા પરીવારજનો આ સંબંધ નહીં સ્વીકારે તેની બીકે થોડા સમય પહેલા નાસી છૂટયા હતા અને મોડાસાના દેવરાજધામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ઝૂંપડામા રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા.
દરમિયાન યુવતીના પરીવારજનોને બન્ને મોડાસામાં હોવાની જાણ થતા શનિવારે એક મહિલા સહિત પાંચ વ્યક્તિ કારમાં દેવરાજધામ પાસે પહોંચ્યા હતા અને યુવતી શિતલનું કારમાં અપહરણ કરી નાસી છૂટયા હતા. આ અંગે મુકેશ ડામોરે પોલીસને જાણ કરતા જિલ્લાભરમાં નાકાબંધી કરાવવવામાં આવી હતી અને મુકેશ ડામોરની ફરિયાદ પરથી અજાણ્યા શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. મોડાસામાંથી અપહરણ કરાયેલી યુવતી શિતલને મહેમદાબાદ ખાત્રજ ચોકડી પાસે ગોંધી રાખવામાં આવી હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને યુવતીને મુક્ત કરાવી હતી અને દાહોદના ખરવાણીમાં રહેતા રામુ મકસી ડામોર, સુરેશ રામુ ડામોર, અલકેશ રામુ ડામોર તથા દાહોદના થેરકામાં રહેતા કિશોર રામા દોઢીયાર અને દાહોદના ખરોડમાં રહેતી ગીતા અભેસીંગ બોરાને ઝડપી લઈ કાર કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer