બે લાખ કરોડની આર્થિક ગોબાચારીનો ભાંડાફોડ

બે લાખ કરોડની આર્થિક ગોબાચારીનો ભાંડાફોડ
નવી દિલ્હી, તા. 21 : અમરિકી સરકારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફાયનાન્શ્યલ ક્રાઈમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક પાસે ભારતના કૌભાંડકારી નેતાઓ, ભ્રષ્ટ નોકરશાહો અને બેન્કોને ચૂનો ચોપડનારા મૂડીવાદીઓ અને કૌભાંડીઓની તમામ જાણકારી છે જે દેશની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે. આ ગુપ્ત દસ્તાવેજમાં 2 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ કન્સોર્શિયમ ઓફ ઈન્વેસ્ટિવેગિવ જર્નાલિસ્ટ (આઈસીઆઈજે) હેઠળ 88 દેશોના 109 મીડિયા સંસ્થાનોએ ફિનસેન ફાઈલ્સમાં નોંધાયેલી જાણકારી મેળવી લીધી છે. આ દસ્તાવેજમાં ભારતના બહુચર્ચિત કૌભાંડો અન દાઉદના ફાયનાન્સરથી લઈને આઈપીએલના સ્પોન્સરની જાણકારી છે. તેમજ બેન્કો ઉપર પણ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
એક અંગ્રેજી ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2000 એવા ગુપ્ત દસ્તાવેજોની તપાસ બાદ ઘણા ભારતીયોના નામ સામે આવ્યા છે. જેઓએ મોટા પ્રમાણમાં પૈસાના ગેરકાયેદસર વ્યવહારો કર્યા હતા. દસ્તાવેજોમાં એ બેન્કોના નામ પણ છે જે મોટી છેતરપિંડીનું માધ્યમ બની હતી અને તેને રોકવામાં નિષ્ફળતા મેળવી હતી. ફિનસેનના ખૂબ જ ગુપ્ત દસ્તાવેજોમાં 2 લાખ કરોડ રૂપિયાના ફર્જીવાડાનો હિસાબ જપ્ત થયો છે. દાવો કરવામાં આવ્યો છે કે દસ્તાવેજમાં એ લોકોના નામ શોધવાની તપાસ કરવામાં આવી રહી છે જેની ભારતીય એજન્સીઓ તપાસ કરી રહી છે. દસ્તાવેજોમાં 2જી સ્કેમ, ઓગષ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ, રોલ્સ રોયસ લાંચ કાંડ, એરસેલ મેક્સિસ કેસ સહિતના ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરીના મામલા સંબંધિત લોકો અને કંપનીઓના નામ છે.
દસ્તાવેજોની તપાસમાં સામે આવેલા નામમાં એક ડાયમંડ કંપની, હેલ્થકેર અને હોસ્પિટાલિટીની એક કંપની, નીલામ થઈ ચૂકેલી એક સ્ટીલ કંપની, ધનાઢયો સાથે છેતરપિંડી કરનારો કાર ડીલર, ભારતની એક બહુરાષ્ટ્રીય કંપની, આઈપીએલ ટીમનો એક સ્પોન્સર, ભારતના અંડરવર્લ્ડ ડોનનો એક પ્રમુખ ફાયનાન્સર વગેરે સામેલ છે.
રિપોર્ટના કહેવા પ્રમાણે મોટાભાગના મામલામાં વિભિન્ન બેન્કોની ભારતમાં સ્થાપિત શાખાઓનો ઉપયોગ ફંડ મેળવવા માટે કરવામાં આવ્યો છે. અમુક કેસમાં ભારતીય બેન્કોની વિદેશ શાખા મારફતે પણ વ્યવહાર થયા છે. આ રીતે ફિનસેન ફાઈલ્સમાં 44 ભારતીય બેન્કોના નામ છે. જે ભારતમાં વિદેશી બેન્કોની પ્રતિનિધી છે. આ બેન્કોમાં પંજાબ નેશનલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, કેનરા બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને બેન્ક ઓફ બરોડા જેવી પ્રમુખ બેન્ક સામેલ છે.
જે 3201 વ્યવહારમાં રૂપિયા મોકલનારા, બેન્કો તરફથી રૂપિયા મેળવનારા ભારતમાં છે તેઓએ અંદાજીત 1.53 અબજ ડોલરની લેવડદેવડ કરી છે. આ ઉપરાંત હજારો એવા વ્યવહાર છે જેનું સરનામું વિદેશનું છે. આ દસ્તાવેજમાં 1999થી 2017 વચ્ચે નોંધાયેલી ભારત સંબંધિત ઘટનાઓનો ઉલ્લેખ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer