મકાન માલિક ભાડૂઆત પાસેથી મનફાવે તેવું વીજ બિલ વસૂલી નહીં શકે

મકાન માલિક ભાડૂઆત પાસેથી મનફાવે તેવું વીજ બિલ વસૂલી નહીં શકે
નવીદિલ્હી,તા.21: આપણા દેશની વસ્તીનો મોટો હિસ્સો ઘરનું ઘર ધરાવતો નથી અને તેઓ ભાડૂતી મકાનોમાં રહેવા મજબૂર છે. તેમની સૌથી મોટી સમસ્યા મોંઘા ભાડા ઉપરાંત મકાન માલિકોની મનમાની અને આકરી શરતો હોય છે. જેમાં સૌથી મોટી તકલીફ વીજળીનાં બિલની હોય છે. મકાન માલિકો દ્વારા મનફાવે એવા લાઈટ બિલ વસૂલવામાં આવતાં હોય છે પણ હવે આ દૂષણને ડામી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોનાં રક્ષણાર્થે એક નવો કાયદો લાવવાની તૈયારી કરી લીધી છે. જેમાં વધારે વીજળી બિલ વસૂલનાર મકાન માલિક પર સકંજો કસાશે.
પોતાના ભાડૂઆત પાસેથી વધારે વીજળી બિલ વસૂલશે તેવા મકાન માલિકો કાયદાનાં સાણસામાં આવશે અને નિર્ધારિત રેટથી વધારે દર પર વીજળી બિલ વસૂલવા ગેરકાયદેસર હશે. જો કોઈ મકાન માલિક સબ મીટર લગાવી ભાડૂઆતને વીજળી વેચે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યુત વિનિયામક આયોગને આ વિશે સખત પગલા ભરવા માટે કહેવામાં આવ્યુ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે સખતાઈથી કહ્યુ છે કે, વીજળી વેચવાનો અધિકાર કોઈને પણ નથી. એવામાં મકાન માલિક વીજળી બિલના નામ પર ભાડૂઆતની પાસેથી મનસૂફી મુજબ નફો કમાઈ શકશે નહીં.
નવા કાયદામાં ભાડૂઆત માટે પણ અલગથી કનેક્શન લગાવવાની વાત કરવામાં આવી છે. ભાડૂઆતને રેન્ટ એગ્રીમેન્ટના આધાર પર નવા કનેક્શન મળશે. અલગ મીટર લગાવવા પર ભાડૂઆત નિર્ધારિત દર પર બિલ ચૂકવણી કરી શકશે અને તેમને પણ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની સબ્સિડીનો લાભ મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer