ડિજીટલ મીડિયાને નિયંત્રિત કરવું જરૂરી: કેન્દ્ર

ડિજીટલ મીડિયાને નિયંત્રિત કરવું જરૂરી: કેન્દ્ર
સુદર્શન ટીવીનાં કેસમાં કેન્દ્રે સુપ્રીમમાં કરેલું સોગંદનામું: અનિયંત્રિત વેબમીડિયાને જોખમી ગણાવ્યું
નવી દિલ્હી, તા.21: સુદર્શન ટીવીનાં વિવાદાસ્પદ કાર્યક્રમનાં કેસમાં સર્વોચ્ચ અદાલતે ઈલેક્ટ્રોનિક મીડિયાનો ઉધડો લીધા બાદ હવે કેન્દ્ર સરકારે પણ નવું સોગંદનામું દાખલ કરી દીધું છે. જેમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, વેબ આધારિત ડિજીટલ મીડિયાનું નિયમન કરવું આવશ્યક બની ગયું છે.
સરકારના કહેવા અનુસાર જો સુપ્રીમ કોર્ટ દિશાનિર્દેશો ઉપર વિચાર કરવાં માગતી હોય તો કોર્ટે વેબ આધારિત ડિજીટલ મીડિયાને નિયંત્રિત કરવું પડશે. આ ડિજીટલ મીડિયાએ ઝેરી નફરત ફેલાવીને જાણીજોઈને માત્ર હિંસા જ નહીં બલ્કે આતંકવાદને પણ પ્રોત્સાહિત કર્યો છે. આ મીડિયા વ્યક્તિ અને સંસ્થાઓની છબિ ખરડવામાં સક્ષમ છે અને આ નવી પ્રથા જોખમી છે.
કેન્દ્રે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે વ્યાપ વિસ્તાર્યા વગર જ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાનાં દિશાનિર્દેશોને જાળવી રાખવા જોઈએ. આ મામલો વિધાયિકા ઉપર છોડી દેવા જોઈએ. જો સુપ્રીમ કોર્ટ દિશાનિર્દેશ આપવા માગતી હોય તો વેબ પત્રિકાઓ, વેબ આધારિત સમાચાર ચેનલો અને વેબ અખબારોને તેમાં સામેલ કરે કારણ કે તેની પહોંચ વ્યાપક છે અને તે સંપૂર્ણપણે અનિયંત્રિત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer