સમયસર નિદાનનો અભાવ કોરોનાના દર્દીના મૃત્યુ માટે મુખ્ય કારણ

ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ ઘર કરી ગઈ છે : ડો.રાજેશ
રાજકોટ, તા.20: કોરોનાના સંક્રમણનો સમય સર્વત્ર પીક પર છે. મુખ્યમંત્રી રૂપાણીએ જાતે ટેસ્ટ કરાવી ‘ટેસ્ટ ઈસ બેસ્ટ’ ગણાવી લોકોને ટેસ્ટ માટે નિર્ભીક બની આગળ આવવા અપીલ કરી છે તેમ છતાં હજુ લોકો ટેસ્ટ કરાવતા ડરે છે. ટેસ્ટ ન કરાવવા માટે મુળમાં અનેક ભ્રામક માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ હોવાનું અને તે સત્યથી વેગળા હોવાનું રાજકોટનાં જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.રાજેશ તેલી જણાવે છે.
ડો.તેલી જણાવે છે કે, ટેસ્ટ કરાવીએ ને પોઝીટીવ આવશે તો તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેશે તેવું લોકો માને છે. પરંતુ કોરોના પોઝીટીવ આવે તો તરત જ કોઈ ડોકટર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ નહીં આપે. જરૂરી પણ નથી. હાલના લક્ષણો, લોહીના રિપોર્ટ અને ઓકસીજનનું પ્રમાણ અને અન્ય પૂર્વ બિમારીઓને અનુલક્ષીને આગળ શું કરવું તેની સલાહ આપવામાં આવે છે. સિવિલ કે અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા અનેક ગંભીર દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરે છે. દર્દીઓના મૃત્યુ માટે સમયસર નિદાનનો અભાવ મુખ્યત્વે કારણભૂત હોવાનું જણાય છે. માટે સમયસર જો ટેસ્ટ કરાવી નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો બિલકુલ સાજા થઈ જવાય છે. માટે હોસ્પિટલમાં જાય એટલે મોત એ માન્યતા ખોટી છે. આવી ભ્રામક વાતો ન ફેલાવવી જોઈએ.
એન્ટીજન ટેસ્ટ મોડો અથવા ન કરાવવાથી શું નુકસાન થાય તે અંગે ડો.રાજેશ કહે છે કે, સમયસર ટેસ્ટ ન કરાવવાથી વહેલી સારવારનો સમય ચાલ્યો જાય છે. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય ત્યાર બાદ સારવાર કરવી અઘરી બની જાય છે. યોગ્ય સમયે ટેસ્ટ ન કરવાથી યોગ્ય સારવારથી વંચીત રહો છો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer