માનવ તસ્કરી પ્રકરણમાં મુકત કરાવેલ બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવાયો

માનવ તસ્કરી પ્રકરણમાં મુકત કરાવેલ બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવાયો
દંપતી સહિત ત્રણને રિમાન્ડ પર લેવા તજવીજ
રાજકોટ, તા.ર0 : જામનગરની મુસ્લિમ મહિલાએ પૂર્વ પતિની ર કરોડની મિલકત પચાવી પાડવા માટેથી રાજકોટમાંથી માસુમ બાળકનું અપહરણ કરાવ્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો અને  દ્વારકાના દંપતી સહિત ત્રણને ઝડપી લઈ માસુમ બાળકને મુકત કરાવવામાં આવ્યા ઁહતો. પોલીસે માનવ તસ્કરીમાં મુકત કરાવેલ બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવી ગાંધીનગર એફએસએલને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને દંપતી સહિત ત્રણનો કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ
ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના શાત્રી મેદાનની ફુટપાથ પર રહેતી મમતાબેન જામસીગ ભુરીયા નામની પરપ્રાંતીય મહિલાનો પુત્ર જીગો (ઉ.1) દોઢેક વર્ષ પહેલા ગુમ થઈ જતા શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ નહી મળતા પોલીસે બાળકના અપહરણ થઈ ગયાનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચના સ્ટાફે રાજકોટમાંથી અપહરણ થયેલ બાળકને જામનગરમાં  રહેતી સલમા ઉર્ફે ફાતમા નામની મહિલાને વેચી નાખવામાં આવ્યું હોવાની બાતમી મળતા તપાસ જામનગર સુધી લંબાવવામા આવી હતી. જામનગરની સલમા ઉર્ફે ફાતમા હાલમાં જામખંભાળીયામાં વેપારી નાથાલાલ પ્રભુદાસ સૌમેયા નામના લોહાણા આધેડ સાથે રહેતી હોવાનું ખુલતા પોલીસે દરોડો પાડયો હતો અને બાળકને મુકત કરાવ્યું હતું અને સલમા ઉર્ફે ફાતમા ઉર્ફે સીમાને ઝડપી લઈ આકરી પુછતાછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી. સલમા ઉર્ફે ફાતમાએ તેના પૂર્વ પતિ નાથાલાલ સૌમેયાએ ર કરોડમા જમીન વેચી હોય તે પડાવી લેવાના બદઈરાદે પાછી તેના ઘરમાં પ્રવેશવા માટેથી એક બાળકની જોઈતું હોય દ્વારકામાં રહેતા સલીમ સુભાણીયા અને તેની પત્ની ફરીદા સલીમ સુભાણીયાને વાત કરી હતી અને બાળક મેળવી આપશે તો એક લાખ આપવામાં આવશે તેમ નકકી કરતા સલીમ અને  ફરીદાએ જામનગર બાદમાં રાજકોટમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી અને દોઢ વર્ષ પહેલા શાત્રી મેદાનની ફુટપાથ પરથી પરપ્રાંતીય પરિવારના બાળકનું અપહરણ કરી સલમા ઉર્ફે ફાતમાને સોપ્યું હતું. પોલીસે ત્રણેય વિરુધ્ધ અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને દંપતી સહિત ત્રણેયના કોરોના ટેસ્ટ કરાવતા નેગેટીવ આવતા ધરપકડની કાર્યવાહી કરી હતી. દરમિયાન અપહરણ થયેલ બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતો અને ગાંધીનગર એફએસએલને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે દોઢ વર્ષ પહેલા જ અપકૃત બાળકના માતા-પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે મામલે પણ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer