સૌરાષ્ટ્રમાં વધુ 467 કેસ, 38 મૃત્યુ : રાજકોટમાં 21, જામનગરમાં 14 દરદીનો કોરોનાએ ભોગ લીધો

સૌરાષ્ટ્રમાં વધુ 467 કેસ, 38 મૃત્યુ : રાજકોટમાં 21, જામનગરમાં 14 દરદીનો કોરોનાએ ભોગ લીધો
- રાજકોટ શહેરમાં પહેલીવાર 100થી વધુ કેસ નોંધાયા: 9 જિલ્લામાંથી 417 કોરોના મુક્ત થયા: ભાવનગરમાં 3, જૂનાગઢમાં 1 મૃત્યુ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.20 : સૌરાષ્ટ્રને કોરોનાએ અજગરી પક્કડમાં લીધું હોય તેમ કેસ અને મૃત્યુ ઘટવાનું નામ જ નથી લેતા. કોરોનાનું સતત આક્રમણ યથાવત રહેતા પાછલા ચોવિસ કલાકમાં નવા 467 કેસ નોંધાયા હતા અને 39 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. એકંદરે કોરોના સંક્રમણને રોકવા માટેના સરકાર અને તંત્રના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા હોવાનું પુરવાર થાય છે. આજે રાજકોટ જિલ્લામાં વધુ 156 વ્યક્તિ કોરોનાગ્રસ્ત આવ્યા હતા અને 21 દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. તેવી જ રીતે જામનગરમાં વધુ 125 કેસ અને 14 મૃત્યુ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 50 નવા કેસ અને 3 મૃત્યુ, જૂનાગઢમાં 37 કેસ અને 1 મૃત્યુ તેમજ અમરેલીમાં 24, મોરબીમાં 19, સુરેન્દ્રનગરમાં 20, ગીર સોમનાથમાં 13, દ્વારકામાં 11, બોટાદ અને પોરબંદરમાં 6-6 નવા કેસ નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં આજે પહેલીવાર કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં ગઈકાલ સાંજથી આજ બપોર સુધીમાં 40 અને સાંજ સુધીમાં બીજા 64 મળીને કુલ 104 લોકો સંક્રમિત જાહેર થતા શહેરનો કુલ પોઝિટિવ આંક 5129 થયો હતો. જેમાંથી આજે 103 સાજા થતા અત્યારે 1026 એક્ટિવ કેસ છે. બીજી બાજુ જિલ્લાના તાલુકા-ગ્રામ્ય પંથકમાં વધુ 52 સાથે કુલ કેસની સંખ્યા 2514 થઈ હતી. જેમાંથી આજે 35 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યારે 520 એક્ટિવ કેસ છે. જિલ્લાના જેતલસરમાં ગ્રામપંચાયતની બેદરકારી અને બેધ્યાનપણાના કારણે 14 દિવસમાં જ 7 કેસ નોંધાતા ગ્રામજનોમાં રોષ સાથે ભય ફેલાયો છે. આ બધા વચ્ચે આજે જિલ્લાના 21 દરદીને કોરોના ભરખી ગયો હતો. જો કે, આ અંગે કોઈ સત્તવાર જાહેરાત કરાઈ નથી. આમ સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7643 કેસ નોંધાયા છે, જે પૈકીના 1546 દરદી હાલ સારવારમાં છે.
જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ચોવિસ કલાકમાં 14 દરદીનો કોરોનાએ જીવ લીધો હતો. બીજી તરફ શહેરના 105 અને ગ્રામ્યના 20 મળીને નવા 125 કેસ નોંધાયા હતા. જ્યારે 122 દરદી કોરોનામુક્ત થતા અત્યારે 278 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દરદી વેન્ટીલેટર પર છે.
ભાવનગરમાં આજે કોરોનાની સારવાર દરમિયાન શહેરના 2 અને ગ્રામ્યના 1 મળીને કુલ 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. બીજી તરફ શહેરના 28 અને ગ્રામ્યના 22 મળીને જિલ્લામાં નવા 50 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3786 થયો હતો. જેમાંથી આજે વધુ 49 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.
જૂનાગઢ શહેર-જિલ્લામાં નવા 37 કેસ નોંધાયા હતા અને 26 દરદી ડિસ્ચાર્જ થયા હતા.  અમરેલી જિલ્લામાં વધુ 24 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 1797 થયો હતો.  જેમાંથી આજે 18 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 252 એક્ટિવ કેસ છે.
મોરબી જિલ્લામાં આજે સીટી એ ડિવિઝનના પી.આઈ., પોલીસ કર્મી તેમજ માળીયા પોલીસના કર્મચારીઓ સહિત વધુ 19 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યારે 26 દરદી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સબ જેલના 15 કેદી કોરોનાગ્રસ્ત થયા હતા તો આજે વધુ 20 કેસ નોંધાયા હતા. જો કે, આજે જિલ્લામાંથી એકેય દરદીને ડિસ્ચાર્જ કરાયા ન હતા.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સહિતના તાલુકાઓમાંથી નવા 13 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1304 થયો હતો. જેમાંથી આજે 6 તાલુકાના 12 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સહિતના તાલુકાઓમાંથી વધુ 11 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 682 થયો હતો. જેમાંથી આજે એકેય દરદી ડિસ્ચાર્જ થયા ન હતા અને હાલ 81 એક્ટિવ કેસ છે. બોટાદ અને પોરબંદર જિલ્લામાં નવા 6-6 કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદમાંથી 4 અને પોરબંદરમાંથી 10 દરદી કોરોનામુક્ત થયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer