300થી વધુ સ્ટાફ ધરાવતી કંપનીઓ સરકારી મંજૂરી વિના કરી શકશે છટણી

300થી વધુ સ્ટાફ ધરાવતી કંપનીઓ સરકારી મંજૂરી વિના કરી શકશે છટણી
લોકસભામાં નવા ખરડો રજૂ : કોંગ્રેસ અને માકપાએ કર્યો વિરોધ
નવી દિલ્હી તા.ર0: સંસદમાં રજૂ કરાયેલા એક ખરડા અનુસાર 300થી વધુ સ્ટાફ ધરાવતી કંપનીઓ હવે સરકારની મંજૂરી વિના કર્મચારીઓની છટણી કરી શકશે.
શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારે શનિવારે લોકસભામાં ઉપજીવિકાજન્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યદશા સંહિતા ર0ર0, ઔદ્યોગિક સંબંધ સંહિતા ર0ર0 અને સામાજિક સુરક્ષા સંહિતા ર0ર0 ખરડા રજૂ કર્યા જેમાં કોઈ પ્રતિષ્ઠાનમાં આજીવિકા સુરક્ષા,સ્વાસ્થ્ય તથા કાર્યદશાને વિનિયિમીત કરવા,ઔદ્યોગિક વિવાદોમાં તપાસ અને નિર્ધારણ તથા    કર્મચારીઓની સામાજિક સુરક્ષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
શ્રમમંત્રીએ કહ્યું કે આ ખરડાઓ શ્રમ સંબંધિત સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યા હતા જેમાં સમિતિએ ર33 ભલામણો સાથે રિપોર્ટ સોંપ્યો છે. તેમાંથી 174 ભલામણો સ્વીકારી લઈ નવો ખરડો રજૂ કરાઈ રહ્યો છે. બીજીતરફ કોંગ્રેસના મનીષ તિવારી, શશિ થરૂર અને માકપાના એ.એમ.આરીફે નવા ખરડાનો વિરોધ કર્યો છે. તિવારીએ કહ્યું કે નવો ખરડો લાવતાં પહેલા શ્રમિક સંગઠનો અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા વિચારણા થવી જોઈએ. નવા ખરડાને જાહેર કરવો જોઈએ જેથી નાગરિકો તેના પર સૂચનો કરી શકે. શ્રમિકો સાથે જોડાયેલા ઘણાં કાયદા હજુ તેના દાયરાની બહાર છે. તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. ખરડામાં શ્રમિકોના હડતાલ કરવા પર ગંભીરતાથી રોકની વાત કહેવામાં આવી છે. તેમાં અસંગઠિત ક્ષેત્રના મજદૂરો માટે પૂરતી જોગવાઈ કરવામાં આવી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer