ચીન સીમાએ 6 નવા શિખરો ઉપર ભારતની ફતેહ

ચીન સીમાએ 6 નવા શિખરો ઉપર ભારતની ફતેહ
- 20 દિવસમાં મેળવી મહત્વની સફળતા, ત્રણ વખત હવામાં ગોળીબાર : માગર હિલ, ગુરુંગ હિલ,
રેજાંગ લા સહિતની ઉંચાઈએ ભારતીય જવાનો તૈનાત
 
નવી દિલ્હી, તા. 20 : પૂર્વ લદ્દાખમાં ચીની સરહદે ભારતીય સેનાએ છેલ્લા 20 દિવસમાં મોટી સફળતા મેળવી છે. ભારતીય સેનાએ 20 દિવસમાં પિપલ્સ લિબરેશન આર્મીના મનસુબા ઉપર પાણી ફેરવતા ચીનની સરહદે છ નવી ઉંચાઈએ કબ્જો કરી લીધો છે. ચીની સેના ભારતીય સેના ઉપર હાવી થવા માટે આ પહાડો ઉપર કબજો કરવા માગતી હતી. સરકારના ઉચ્ચ સુત્રોના કહેવા પ્રમાણે જવાનોએ છ નવા શિખરો ઉપર કબજો કરી લીધો છે. જેમાં માગર હિલ, ગુરુંગ હિલ, રેજાંગ લા રાચાના લા, મોખપારી અને ફિંગર 4 રિઝ લાઈન ઉપર સૌથી ઉંચા શિખરો સામેલ છે.
સુત્રોના કહેવા પ્રમાણે આ શિખરો ઉત્તરથી દક્ષિણ કિનારા સુધી ફેલાયેલા છે. આ સફળતાથી જારી સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાને ચીન ઉપર વિશિષ્ટ સરસાઈ મળી છે. ભારત અને ચીની સેના વચ્ચે એલએસીએ ઉંચાઈ ઉપર કબજો કરવાનો સંઘર્ષ 29 ઓગષ્ટ બાદ શરૂ થયો હતો. જ્યારે ચીને પેંગોંગ લેકના દક્ષિણી તટ પાસે થાકુંગ ક્ષેત્રના દક્ષિણમાં ઉંચાઈઓ ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચીની સેનાની કોશિશોને નાકામ કરવા માટે પેંગોંગના ઉત્તરી તટથી લઈને લેકના દક્ષિણ કિનારા સુધી ઓછામાં ઓછા ત્રણ વખત હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
સૂત્રો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હેલમેટ ટોપ અને બ્લેક ટોપ એલએસીને પાર છે. ભારતીય જવાન જે સ્થળે છે તે વિસ્તાર એલએસીની હદમાં આવે છે. આ કાર્યવાહી બાદ ચીની સેનાએ 3000 વધારાના સૈનિકોની તૈનાતી રેજાંગ લા અને રેચિન લા પાસે કરી હતી. જેમાં પીએલએની ઈન્ફ્રેન્ટ્રી અને આર્મર્ડ યૂનિટના સૈનિકો સામેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer