સલામતી શાખાનાં PIની કારમાં સર્વિસ રીવોલ્વરથી આત્મહત્યા

ગાંધીનગર સચિવાલયનાં પાર્કિંગની ઘટના: મૃતક PIનો મૃતદેહ બીન બાયડ લવાયો
 
(ફૂલછાબ ન્યુઝ)
મોડાસા, તા.20 :  બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ  41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. પીઆઈ પ્રિતેશ પટેલે આત્મહત્યા કરી લેતા તેમના પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા વતન બાયડ પંથકમાં ભારે શોકગ્ની છવાઈ હતી.
પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલ ઉપસ્થિતિમાં અપાયું હતું પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
અમદાવાદ અને ગાંધીનગર જીલ્લામાં ફરજ બજાવી ચૂકેલ પીઆઈ પ્રિતેશ.જે.પટેલ થોડા સમય અગાઉ બાયડથી પરિવાર સાથે ધો.12માં અભ્યાસ કરતી પુત્રી અને ધો.5 માં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર સરગાસણ ખાતે શીફ્ટ થયા હતા મૃતક પીઆઈના પત્ની ડાભા નજીક આવેલ માનપુર શાળામાં શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
 શનિવારે મોડી રાત્રી સુધી પીઆઈ પ્રિતેશ પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે તપાસ કરતા આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પરિવાર પર આભ તૂટી પડયું હતું.
પ્રિતેશ જે. પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer