કોંગ્રેસ દલાલોની પાર્ટી: YSR સાંસદની ટિપ્પણીથી ભારે હંગામો

કોંગ્રેસ દલાલોની પાર્ટી: YSR સાંસદની ટિપ્પણીથી ભારે હંગામો
વિવાદીત નિવેદનને રેકોર્ડમાંથી કઢાવતાં ઉપસભાપતિ
નવી દિલ્હી, તા.ર0: કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યસભામાં કૃષિ ખરડા રજૂ કર્યા હતા.
વિપક્ષોના હંગામા વચ્ચે વાયએસઆર કોંગ્રેસ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે તૂ તૂ મૈ મૈ થઈ હતી. વાયએસઆર સીપીના સાંસદ વીવી રેડ્ડીએ કૃષિ ખરડાને સમર્થન આપતાં કોંગ્રેસને દલાલોની પાર્ટી ગણાવતાં કોંગ્રેસના સાંસદો ભડકી ગયા અને રેડ્ડી પાસે માફીની માગ કરી હતી.
આંધ્રપ્રદેશમાં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ વીવી રેડ્ડીના નિવેદન પર વિપક્ષની નજર હતી કારણ કે તેનાથી બિન-એનડીએ પક્ષનું કૃષિ ખરડા પર વલણ નક્કી થવાનું હતું.
જો કે કોંગ્રસની તમામ આશાઓ પર પાણી ઢોળ કરતાં રેડ્ડીએ કોંગ્રેસની જ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ ખરડાઓનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. કોંગ્રેસ મિડલમેન દલાલોની પાર્ટી છે. તેમણે કોંગ્રેસને પાખંડી ગણાવતાં કહયું કે કોંગ્રેસે ર019ના પોતાના ચૂંટણી ઢંઢેરામાં આવા જ વચનો આપ્યા હતા.
રેડ્ડીના આવા નિવેદન બાદ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં ભારે હંગામો મચાવ્યો. કોંગ્રેસના આનંદ શર્માએ રેડ્ડી માફી માગે તેવી માગ કરી હતી. જો કે રેડ્ડી પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. ઉપસભાપતિ ડો.એલ.હનુમનથૈયાએ કહ્યું કે રેડ્ડીના નિવેદનનો કોઈ પણ ભાગ રેકોર્ડમાં લેવામાં નહીં આવે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer