કોરોના સંક્રમણ અને સ્વસ્થ થવાની ગતિ સમાન

કોરોના સંક્રમણ અને સ્વસ્થ થવાની ગતિ સમાન
ભારતમાં નવા 92605 કેસ સામે વિક્રમી 94384 દર્દી સ્વસ્થ થયા: વધુ 1133 મૃત્યુ
નવી દિલ્હી, તા. 20 : ભારતમાં  કોરોનાનો હાહાકાર ખતમ થવાનું નામ લેતો નથી. છેલ્લા 24 કલાકમાં  વધુ 92605 કેસ સાથે કુલ કેસનો આંક 54 લાખને પાર કરીને 5400620 થઇ ગયો છે, તો 1133 મૃત્યુ સાથે મરણ આંક 86796 થઇ ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે,  જેટલી ઝડપે  સંક્રમણ ફેલાય છે લગભગ એટલી જ ગતિએ દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન  94384 દર્દીએ કોરોનાને મહાત આપી છે અને સતત બીજા દિવસે  નવા કેસ કરતાં  સાજા થયેલા દર્દીઓનો આંક વધુ રહ્યો છે. આ સાથે જ  સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં ભારત, અમેરિકાને પાર કરીને પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. હાલ 10.15 લાખ એકટીવ કેસ છે. ભારતમાં અત્યાર સુધી કોરોનામાંથી સ્વસ્થ થનારા 4303043 લોકો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 42 લાખને પાર કરી ગઇ છે. જ્યારે અમેરિકામાં 41.91 લાખ છે.છેલ્લા 24 કલાકમાં  ભારતમાં વિક્રમી 12 લાખથી વધુ લોકોની  તપાસ કરાઇ હતી. હાલ હોસ્પિટલમાં કે ઘરે સારવાર લઇ રહેલા લોકો પૈકી 9 હજારની હાલત ગંભીર બતાવાઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના હજી કાબૂમાં આવ્યો નથી અને અહીં મૃત્યુ આંક 32216 થઇ ગયો છે,જ્યારે કુલ સંક્રમિત 1188015 થઈ ગયા છે.
મોટાભાગના રાજ્યોમાં શાળાઓ રહેશે બંધ
નવી દિલ્હી, તા. 20 : કોરોના વાયરસના વધતા કેસના કારણે ઘણા રાજ્યોએ શાળાઓને ખુલતા રોકી દીધી છે. 21 સપ્ટેમ્બરથી અમુક રાજ્યોમાં જ ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ ખુલી રહી છે. શરૂઆતમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે શાળાઓ ખુલશે. બાળકો વાલીઓની મંજૂરી બાદ જ શાળાઓમાં પ્રવેશ કરી શકશે. કોરોનાથી બચવા માટે શાળામાં તમામ ઉપાયો હશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અનિવાર્ય રહેશે. એન્ટ્રી ઉપર થર્મલ ક્રીનિંગ થશે. આસામ, હરિયાણા, કાશ્મીર, આંધ્રપ્રદેશ સહિતના અમુક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ બંધ રહેવાની છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને દિલ્હી સરકારે પણ શાળાઓ ન ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી સુધી શાળા ખોલવામાં આવશે નહી. જ્યારે મધ્ય પ્રદેશમાં આંશિક રૂપે શાળાઓ ખુલશે પણ ક્લાસ લેવાશે નહી. આવી રીતે પશ્ચિમ બંગાળે પણ સ્કૂલ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer