શહેરમાં ‘ખાડા’ બૂરી ‘ટેકરા’ બનાવાશે?

શહેરમાં ‘ખાડા’ બૂરી ‘ટેકરા’ બનાવાશે?
રસ્તામાં ખાડા બૂરવામાં ક્યાંય લેવલ કરાતું નથી: વાહનચાલકોને ઉંટસ્વારીનો અનુભવ કરાવશે
શહેર સમસ્યા
રાજેન શુકલ
રાજકોટ: ભારે વરસાદથી શહેરના તમામ રાજમાર્ગો અને શેરી ગલીઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. કદાચ છેલ્લા દસ વર્ષમાં જેટલા રસ્તા તૂટયા નહીં હોય તેટલા આ વર્ષે તૂટી ગયા છે. એકથી દોઢ ફૂટ પહોળા ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાડા બુરાણ ઝુંબેશ હાથ ધરાશે.
અત્યાર સુધી જે માર્ગો પર ખાડા પડયા હોય તેને વ્યવસ્થિત રીપેર કરવાના બદલે માત્ર ખાડામાં ડામર કે પેચવર્ક કરી રોલર ફેરવી દેવાય છે. મૂળ રસ્તા સાથે બુરાણ થયેલા ખાડાનું કયારેય લેવલ જળવાતું નથી. તેના કારણે રસ્તામાં ખાડાના બદલે ટેકરા બની જાય છે. અત્યાર સુધી વાહનચાલકો ખાડામાં ગબડતા, હવે રીપેર થઈ ગયા બાદ ખાડાના બુરાણમાં ઉછળશે પણ.
મોટા ભાગના રસ્તામાં ઉંડા ઉંડા અને પહોળા ખાડા છે. દર વર્ષે ખાડા રીપેરીંગ કામગીરીમાં રસ્તા પર અર્ધા ફૂટનો પહોળો ખાડો હોય તો માત્ર એટલાં જ ભાગમાં ડામર કે પેચવર્ક કરવામાં આવે છે. તેની બાજુમાં અર્ધા ફૂટના કે મોટા ખાડા હોય તો તેમાં પણ એવી જ રીતે કામ કરવામાં આવે છે. તેના કારણે મોટા કપડામાં થીંગડા માર્યા હોય તેવી હાલતમાં સ્માર્ટ સિટીના રસ્તા દેખાય છે. હકીકતમાં 100, 200 કે વધુ મીટરના ભાગમાં બે કે ત્રણ ખાડા હોય તો સમગ્ર ભાગ આવરી લઈ નવો જ રસ્તો બનાવવામાં આવે અને તેને મુળ રસ્તા સાથે લેવલીંગ કરવામાં આવે તો વાહનચાલકોને ઉંટસ્વારીનો અનુભવ ન થાય. તેના બદલે સ્માર્ટ સિટીમાં 100 મીટરના રસ્તાના ભાગમાં ત્રણ થીગડાં જોવા મળે છે. ત્રણેય થીગડામાં મુળ રસ્તા સાથેનું લેવલીંગ હોતું જ નથી.
મોટા મોટા ચોકમાં કે જ્યાં ટ્રાફિકની સતત અવરજવર રહે છે. તેમાં પણ જેટલો ચોક મોટો એટલા મોટા ખાડા જેવી સ્થિતિ છે. અહીં આખો ચોક જ નવા ડામરથી મઢવાના બદલે ખાડા બૂરવામાં આવે છે. દર વર્ષે આવું જોવા મળે છે. મક્કમ ચોક, મધુરમ હોસ્પિટલ ચોક, મોટી ટાંકી ચોક, ફૂલછાબ ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ ચોક, જિલ્લા પંચાયત ચોક સહિતના મુખ્ય ચોકમાં આવી જ હાલત છે. દર વર્ષે એક કે બે ફૂટના ખાડા બૂરવામાં આવે છે. જે ભારે વાહનોની અવરજવરથી ટકતાં નથી. એક કે બે મહિના બાદ ફરી ખાડા થઈ જાય છે. ફરી ખાડા બુરી ટેકરા બનાવવામાં આવે છે.
શહેરીજનોના કહેવા પ્રમાણે, રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાકટર દરેક ખાડાને જાણે સે.મી.માં માપીને કામ કરતા હોય તેવો ઘાટ છે. ખાડાની બાજુમાં એક સેમીનો ભાગ બાકી હોય તો પણ બાકી રાખી દેવામાં આવે છે.
નવા મકાનોમાં ભૂગર્ભ ગટરના જોડાણ વખતે રસ્તા તોડવાની કામગીરી
શહેરમાં જૂના મકાનો તોડી કે ખુલ્લા પ્લોટમાં નવા બાંધકામો પુરજોશમાં ચાલુ છે. આવા મકાનોમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવાનું હોય ત્યારે સામાન્ય રીતે મેઈન હોલ રસ્તાની વચ્ચે જ આવે છે. નવા બાંધકામથી ભૂગર્ભ ગટરના મેઈન હોલ સાથેનો રસ્તો તોડવામાં આવે છે. એપાર્ટમેન્ટ બનતા હોય ત્યાં પણ આવી જ હાલત છે. લાખો કે કરોડોના ખર્ચે બનતા મોટા એપાર્ટમેન્ટના ભૂગર્ભ ગટરના જોડાણ માટે રસ્તો અડધો તોડવામાં આવે છે. તોડી નાખ્યા બાદ ફરી બૂરવામાં આવતો નથી. હકીકતમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરની શરતમાં જ આવો રસ્તો રીપેર કરવાની જવાબદારી મૂકવાની જરૂર છે. કરોડો રૂપિયાનું બિલ્ડીંગ બનતું હોય કે બન્યું હોય તો માત્ર બે કે ત્રણ ફૂટ ખોદેલો રસ્તો સ્વખર્ચે રીપેર કરવાનું યાદ બિલ્ડરોને કે મકાનમાલિકોને આવતું નથી. જ્યાં સુધી એ વિસ્તારમાં નવો રસ્તો ન બને ત્યાં સુધી આ ખાડા યથાવત રહે છે.
ભૂગર્ભ ગટરના ઢાંકણાના લેવલ હોતા જ નથી
શહેરના કોઈપણ માર્ગમાં વચ્ચે જ ભૂગર્ભ ગટરની કુંડી અને ઢાંકણા જોવા મળે છે. પણ કયાંય લેવલીંગ જોવા મળતું નથી. રાજમાર્ગોમાં પણ ભૂગર્ભ ગટરના સિમેન્ટના ઢાંકણા કે પતરાના ઢાંકણા સાથે મેઈન રોડનું લેવલ કરવામાં આવતું નથી. તેના કારણે નવા નકોર રસ્તામાં ભૂગર્ભ ગટરની કુંડીનો ખાડો કંઈક વિચિત્ર જ દેખાય છે. હાલ શહેરના તમામ રસ્તામાં આવી હાલત છે. ભૂગર્ભ ગટરનું મેઈન હોલનું ઢાંકણું અને રસ્તાનું બરોબર લેવલ કરાતું નથી. ઘણી વાર આવા ખાડા તારવતી વખતે વાહનચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer