કોરોનાને કાબૂમાં લેવા સંસ્થાઓ આરોગ્ય રથ દોડાવશે

કોરોનાને કાબૂમાં લેવા સંસ્થાઓ આરોગ્ય રથ દોડાવશે
ચેમ્બર, સરગમ, ગુરૂકુળ, બ્રહ્માકુમારી અને ઇસ્કોન સહિતની સંસ્થાઓએ તૈયારી બતાવી
રાજકોટ, તા. 18: રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે તેને કાબૂમાં લેવા માટે મનપા દ્વારા ધનવંતરી અને સંજીવની રથ દોડાવી શહેરના વિસ્તારમાં જઇ ઓપીડીથી માંડી કોરોના ટેસ્ટ માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યને વધુ વેગ મળે તે માટે શહેરની જુદી-જુદી સામાજિક સંસ્થાઓને ધનવંતરી રથની માફક જ પોતાનો આરોગ્ય રથ શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરે વીડિયો કોન્ફરન્સ મારફત અપીલ કરી હતી.
આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ સંસ્થાઓ સાથેની બેઠકમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બ્રહ્માકુમારી સંસ્થા વતી નીતિનભાઈ ડોરાસીયા, બીટી વસાણી કીડની હોસ્પિટલ વતી ડો. ચેતન મિસ્ત્રી, સ્વામીનારાયણ ગુરૂકુળ વતી રણછોડભાઈ અકબરી, નવજીવન ટ્રસ્ટ વતી સાહીલભાઈ સંધી, રણછોડદાસબાપુ આશ્રમ વતી શાંતિલાલ, પ્રગતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ વતી હિતેન્દ્રસિંહ ઝાલા, ચેમ્બર વતી કાંતિલાલ ભૂત, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય અને ઇસ્કોન વતી અંર્તયામી કિસનદાસ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર ઉદીત અગ્રવાલ તથા અન્ય અધિકારીઓએ સંસ્થાઓના પ્રતિનિધિઓને સમગ્ર પરિસ્થિતિ સમજાવી હતી. શહેરમાં કોરોના વાયરસના સંક્રમણની ચેઇન તોડવા માટેના પ્રયાસોના ભાગરૂપે જનજાગૃતિ, મેડીકલ ક્રીનીંગ, ટેસ્ટીંગ વગેરે પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં લોકોનો સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે.આ સહયોગને વધુ આવશ્યક બનાવવા અને જલ્દીથી કોરોનાની ચેઇન તોડવા માટે આઈસોલેશન સેન્ટર શરૂ કરવા અને સંસ્થાઓ દ્વારા આરોગ્ય રથ શરૂ કરવા માટે સહયોગ પ્રાપ્ત થાય એવો અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુર્જર સુથાર જ્ઞાતિના કોવિડ સેન્ટરની માફક પોતાની સંસ્થાના કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવાની પણ અપીલ કરી હતી. જેના પગલે વિવિધ સંસ્થાઓઁએ આ વિષયમાં પોતાની સંસ્થામાં ચર્ચા-વિચારણા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાત્રી
આપી હતી.
સરગમ ક્લબ, બ્રહ્માકુમારી, સ્વામીનારાયણ ગુરુકુળ,ચેમ્બર ઓફ કોમર્સ અને ઇસ્કોન દ્વારા આરોગ્ય રથની સેવા શરૂ કરવાની તૈયારી બતાવવામાં આવી હતી. અન્ય સંસ્થાઓ પણ આ દિશામાં આગળ ધપી રહી છે. આ આરોગ્ય રથમાં તબીબ, પેરા મેડીકલ સ્ટાફ, દવા અને ટેસ્ટીંગ કીટ સહિતની સેવાઓ ઉપલબ્ધ બનશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer