રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવાના કિસ્સામાં ફરિયાદ નોંધવા તંત્ર પર દબાણ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવાના કિસ્સામાં ફરિયાદ નોંધવા તંત્ર પર દબાણ
-સમાનવ વધનો ગુનો નોંધવા ક્રોંગ્રેસ-મરાઠા સમાજની માગ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.18 : શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા માર મારવાના બનાવમાં ક્રોંગ્રેસ-મરાઠી સમાજના આગેવાનો દ્વારા જવાબદારો સામે સમાનવ વધનો ગુનો નોંધવા માગણી કરવામાં આવી છે. દર્દીનું મૃત્યુ કોરોના ના કારણે નહી માર મારવાથી થયાની ફરીયાદો ઉઠી છે.
કલેકટરને આવેદન અપાયુ છે અને દર્દી પ્રભાશંકર પાટીલના પરિવારજનો મહારાષ્ટ્રથી આવે પછી ફરીયાદ લેવાશે અને પોલીસ તપાસ થશે એમ જણાવાય છે.
મુળ મહારાષ્ટ્રના અને હાલમાં રાજકોટના ભગવતીપરા વિસતારના પરસોતમપાર્કમા રહેતા પ્રભાશંકર પાટીલ નામના યુવાનને હોસ્પિટલની કોવિડ-19 મા સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. દરમિયાન ગત તા.9/9 ના હોસ્પિટલમાં નર્સીગ સ્ટાફ અને સીકયુરીટી ગાર્ડ દ્વારા પ્રભાશંકર પાટીલને જમીન પર સુવડાવી દઈ મારકૂટ કરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો અને હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ મામલે પોલીસે તપાસ હાથધરી હતી અને સારવાર રહેલા પ્રભાશંકર પાટીલનું ગત તા.1ર/9 ના મૃત્યુ નિપજતા તેની અંતિમવીધી તેમના વતનમાં કરવામાં આવી હતી. આ મામલે પીઆઈ.ચાવડાએ જણાવ્યુ હતુ. કે હાલમાં મૃતકના પરિવાર તરફથી કોઈ ફરીયાદ કરવામાં આવેલ નથી. ફરીયાદ કરવામાં આવ્યા બાદ પુરાવા મેળવી કાર્યવાહી કરવામા આવશે. દરમિયાન કોંગી આગેવાન અશોક ડાંગર તથા મહેશ રાજપુત અને જશવતસિંહ ભટી તથા સમસ્ત મરાઠી સમાજના આગેવાનો સહીતના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ મામલે તટસ્થ તપાસ કરવા અને જવાબદારો સામે મનુષ્યસાપરાધ વધ સહીતની કલમ હેઠળ ગુનો નોંધવા રજુઆત કરવામાં આવી હતી અને આ મામલે હાઈકોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
સમગ્ર ઘટના મામલે સુપ્રિ.પંકજ બુચ દ્વારા એક કમીટીની રચના કરી હતી. જેમાં ડો.કયાડાના વડપણ હેઠળ સમગ્ર ઘટના સદર્ભે તપાસ હાથધરવામાં આવી રહી છે.આ મામલે જે તે સમયે ફરજ પરના નર્સીગ સ્ટાફ અને સીકયુરીટી સ્ટાફની પૂછતાછ શરૂ કરી નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
વીડિયો વાયરલ કરવા મુદ્દે બે શખસોની અટકાયત
રાજકોટ, તા.18 : દર્દીનો વીડિયો વાયરલ કરવા મુદે કોવિડ સેન્ટરના એડી.સુપ્રિ. ડો.કયાડાએ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે એમ્બ્યુલન્સ માલીક, ડ્રાઈવરની અટકાયત કરી હતી. જયારે વીડિયો ઉતારનાર મહિલા સામે કાર્યવાહી કરવાની  તજવીજ  હાથધરી છે.
 પોલીસે હોસ્પિટલમાં ભાડાની એમ્બ્યુલન્સ ચલાવતા અને ભાજપ આગેવાનના ભાઈ રાજુ ગૌસ્વામીને ઝડપી લીધો હતો. અને આકરી પૂછતાછ કરતા આ વીડિયો એમ્બ્યુલન્સના ડ્રાઈવર નીતીન ગોહેલએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે નીતીન ગોહેલને પણ ઝડપી લીધો હતો, નીતીન ગોહેલને આ વીડિયો હોસ્પિટલમાં પટાવાળા તરીકે નોકરી કરતી પ્રવિણાબેન ઈટોલીયાએ આપ્યાનું ખુલતા પોલીસે પ્રવિણાબેનને પણ સકંજામાં લીધી હતી. પોલીસે હાથધરેલી તપાસમાં ગત તા.9/9 દર્દી પ્રભાશંકર પાટીલને સ્ટાફ અને સીકયુરીટી દ્વારા મારકુટ કરતા હતા. ત્યારે વીડીયો ઉતારી લીધો હતો. અને પોતાને કયારેક કામ લાગશે તેમ સમજી વીડીયો રાખ્યો હતો. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નહી નોંધાવામાં આવતા પોલીસની કામગીરી સદર્ભે પણ અનેક તર્કવિતર્કો થઈ રહયા છે.
--------------
ગોંડલના પ્રૌઢનો મૃતદેહ સોંપ્યા બાદ પીએમ માટે પરત મંગાવ્યો
અંતિમ વિધીની તૈયારી ચાલતી’તીને હોસ્પિટલથી ફોન આવતા પરિવારમાં રોષ
રાજકોટ, તા.18 : રાજકોટની સિવિલ હોસ્પિટલ યેનકેન પ્રકારે સતત વિવાદમાં રહેતી હોવાના કિસ્સા પ્રકાશમા આવતા હોય છે. તાજેતરમાં જ કોરોના દર્દીને મારકુટ કરવામાં આવતા મૃત્યુ નિપજયાના મામલે ભારે ઉહાપોહ મચી ગયો છે. ત્યાં જ ગોંડલમાં રહેતા અને અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રૌઢનો મૃતદેહ પરિવારજનોને સોપ્યા બાદ રાજકોટની હોસ્પિટલમાંથી પીએમ કરાવવા મામલે પરત મૃતદેહ મંગાવવામાં આવતા મૃતકના પરિવારજનોમાં હોસ્પિટલની ધોર બેદરકારી સામે રોષ વ્યાપી ગયો હતો. આ બનાગ અંગેની વિગત એવી છે કે, ગોંડલના સિદ્ધાર્થનગરમાં રહેતા બટુકભાઈ પોપટભાઈ કંડોલીયા નામના પ્રૌઢને ત્રણ દિવસ પહેલા કાર-બાઈક અકસ્માતમાં ઈજા થવાથી સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતુ. બાદમાં મૃતક બટુકભાઈનો મૃતદેહ પરિવારજનોને સેંપવામાં આવતા ગોંડલ લઈ જવામાં આવ્યો હતો. અને અંતીમવિધીની તૈયારી કરવામાં આવી રહી હતી.
દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મૃતક બટુકભાઈના પરિવારજનોને ફોન આવ્યો હતો કે મૃતદેહને પરત લઈને આવો પીએમની કાર્યવાહી બાકી છે. ત્યાં સુધી તમને ડેથ સર્ટીફીકેટ નહી મળે તેવુ જણાવવામાં આવતા મૃતદેહ લઈને પીએમ કરવવા માટેથી પરત રાજકોટ હોસ્પિટલે આવવુ પડયુ હતુ. હોસ્પિટલની ધોર બેદરકારીના મામલે મૃતક બટુકભાઈના પરિવારમાં રોષ વ્યાપી ગયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer