કોરોના મહામારી વચ્ચે આજથી IPL : રણમાં ક્રિકેટની આંધી

કોરોના મહામારી વચ્ચે આજથી IPL : રણમાં ક્રિકેટની આંધી
કોરોનાની ચિંતા કોરાણે મૂકી લોકો 53 દિવસ સુધી ક્રિકેટના રોમાંચમાં મશગુલ બનશે
આજે પહેલા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને
અબુધાબી, તા.18: ઘાતક કોરોના મહામારી વચ્ચે દુનિયાભરના ક્રિકેટ ચાહકોના ચહેરા પર મુસ્કાન લાવવા માટે આવતીકાલ શનિવારથી યુએઇની ધરતી પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સિઝનનો પ્રારંભ થશે. જેમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીની શાંતચિત કેપ્ટનશીપ, વિરાટ કોહલીની આક્રમકતા અને રોહિત શર્માની કપ્તાની પર બધાની નજર રહેશે. શનિવારે ઉદ્ઘાટન મેચમાં વર્તમાન વિજેતા મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે થશે. પહેલીવાર એવું બનશે કે આઇપીએલના મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. કોરોનાની કઠિન હાલત ભોગવી રહેલા દેશવાસીઓ પાછલા ઘણા સમયથી મનોરંજન માટે તલસી રહ્યા છે. તેમના માટે આઇપીએલ બ્લોકબ્લસ્ટર બની રહેશે.
પાછલા ઘણા સમયથી સોશિયલ ડિસ્ટેસિંગ, કોરોના કેસ અને અન્ય કોવિડ-19 ગાઇડ લાઇનની ચર્ચા લોકોની દિનચર્યા બની ચૂકયા હતા. હવે આવતા પ3 દિવસ સુધી ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ, કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રોહિતની મુંબઇ ઇન્ડિયન્સ, કેએલ રાહુલની કિંગ્સ ઇલેવન પંજાબ, શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ, દિનેશ કાર્તિકના સુકાનીપદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ, સ્મિથના સુકાનીપદ હેઠળની ટીમ રાજસ્થાન રોયલ્સ અને વોર્નરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની 8 ટીમની ચર્ચા થશે.
આઇપીએલનું આયોજન પહેલીવાર બાયો સિકયોર વાતાવરણમાં યોજાશે. જે દરમિયાન આઇસીસીની નવી ગાઇડ લાઇન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ વખતે દર્શકોની ગેરહાજરીને લીધે ધોનીના હેલિકોપ્ટર શોટ કે ગેલની આતશી બેટિંગ વખતે તાલિઓનો ગડગડાટ કે શોર-બકોર સંભાળશે નહીં. ચીયર લીડર્સનું આકર્ષણ પણ નહીં હોય.
આઇપીએલમાં આ વખતે 10 વખત એક દિવસમાં બે મુકાબલા હશે. ત્યારે પહેલો મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-30 વાગ્યે અને બીજો મેચ સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે. દુબઇમાં 24, અબુધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. યુએઇની પિચો સ્પિનરોને યારી આપશે તેવી હાલ ગણતરી મંડાઇ રહી છે. આથી તમામ ટીમ તેની ઇલેવનમાં બે સ્પિનરને તક આપી શકે છે.
પહેલા મેચમાં ધોનીની ટીમ સીએસકે સામે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને ફેવરિટ માનવામાં આવી રહી છે. કાગળ પર મુંબઇની ટીમ મજબૂત છે. જેમાં ડેથ ઓવરના બાદશાહ જસપ્રિત બુમરાહ, આક્રમક ઓપનિંગ બેટ્સમેન અને સુકાની રોહિત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, કીરોન પોલાર્ડ અને ડિ’કોકો જેવા સ્ટાર ખેલાડીઓ છે. આ ટીમની નવી તાકાત કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ છે.
 તો સીએસકેને બુઢ્ઢાઓની ફોજનું ઉપનામ મળ્યું છે, પણ આ ટીમે સાબિત કર્યું છે કે સફળતા ઉંમરને મોહતાજ નથી. સુરેશ રૈના અને હરભજન સિંઘની કમી ટીમને જરૂર નડશે, પણ ચેન્નાઇ પાસે વોટ્સન, કેદાર જાધવ, અંબાતિ રાયડૂ, સુકાની ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવન બ્રાવો અને ઋતુરાજ ગાયકવાડ જેવા ઉપયોગી ખેલાડીઓ છે. જે ટી-20 ફોર્મેટના ઉસ્તાદ ગણાય છે.
 
53 દિવસમાં 60 મેચની ટક્કર
આઇપીએલની 13મી સિઝન યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે. પ3 દિવસમાં 60 મેચની ટકકર થશે. તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં દર્શકો વિના અને બાયો સિકયોરીટી વાતાવરણમાં રમાશે.
કોવિડ-19ને લીધે નવા નિયમો
કોવિડ-19 વાઇરસને લીધે બોલ પર થૂંક લગાવી શકાશે નહીં. જો કે પરસેવો લગાવવાની છૂટ છે. ખેલાડીઓ એક-બીજા સાથે હાલ મિલાવશે નહીં, મેદાન પર ચીયર લીડર્સ નહીં હોય, ના-બોલ પર ડાયરેકટ થર્ડ અમ્પાયરની નજર રહેશે. કોરોના સબસ્ટિટયૂટની મંજૂરી છે. જો કોઇ ખેલાડી બાયો બબલમાંથી બહાર નીકળશે તો તે આઇપીએલમાંથી આઉટ થઇ જશે.
લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ
આઇપીએલના બપોરના મેચ 3-30થી અને સાંજના મેચ 7-30થી શરૂ થશે. જેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પરથી થશે. જયારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની-હોટસ્ટાર અને રિલાયન્સ જિયો પરથી જોવા મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer