ધ્રોળમાં યુવાનની હત્યા પ્રકરણમાં સૂત્રધાર-સાગરીતની ધરપકડ : ત્રણ પિસ્તોલ-મોબાઈલ કબજે

ધ્રોળમાં યુવાનની હત્યા પ્રકરણમાં સૂત્રધાર-સાગરીતની ધરપકડ : ત્રણ પિસ્તોલ-મોબાઈલ કબજે
 રૂ.પ0 લાખની લેતીદેતી અને ટોલનાકાનો ડખ્ખો કારણભૂત : એક શખસ ફરાર
રાજકોટ/ જામનગર , તા.18 : ધ્રોળમાં રહેતા ગરાસિયા યુવાનની ટોલનાકાની માથાકૂટ અને રૂ.પ0 લાખની લેતીદેતીના મામલે 7 માસ પહેલા સરાજાહેર ફાયરીંગ કરી હત્યા કરવાના ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર સહીત ચાર શખસોને પોલીસે ઝડપી લીધા હતા અને એક પિસ્તોલ તથા બે કાર્ટીસ કબજે કર્યા હતા. જ્યારે હથિયાર સપ્લાયર કરનાર પરપ્રાંતીય શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ધ્રોલમાં ગાયત્રીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જઠુવીરસિંહ જાડેજા અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના બંને યુવાનો ગત તા.6/3/ર0ના બપોરના ધ્રોલના ત્રીકોણબાગ પાસે કારમાં બેસવા જતા હતા. ત્યારે સ્વિફટકારમાં અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ અને બે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને ફાયરીંગ કરી દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા જાડેજાની હત્યા કરી નાસી છૂટયા હતા.
આ બનાવ અંગે પોલીસે જયદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીતસિંહ વિરપાલસિગ ઠાકુર અને અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર સહિતના તેમજ મુખ્ય સૂત્રધાર હાડાટોડા ગામના ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા સહિતના શખસો વિરૂધ્ધ ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસે હત્યા પ્રકરણમાં જામનગરના અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિસુભા સોઢા, રાજકોટના મુસ્તાક રફીક પઠાણ, અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર અને અજીત વિરપાલસીગ ભાટી ઠાકુરને ઝડપી લીધા હતા અને પિસ્તોલ તથા બે કાર્ટીસ કબજે કર્યા હતા. જ્યારે હથિયાર સપ્લાયર કરનાર રોહીત ઉર્ફે સોનુ સીગ રામપ્રસાદ સીગ ઠાકુર ફરાર થઈ ગયો હતો.
આ પ્રકરણમાં ફરાર મુખ્ય સૂત્રધાર ધ્રોળના હાડાટોડા ગામના ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને હાડાટોડા ગામના અને હત્યા પ્રકરણમાં રેકી કરનાર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજાને રાજકોટ આર.આર.સેલના સ્ટાફે ચોટીલાથી જસદણ જતા રોડ પરથી ઝડપી લીધા હતા અને ત્રણ પિસ્તોલ અને મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એકાદ વર્ષ પહેલા મૃતક દિવ્યરાજસિંહ જાડેજાએ અનિરૂધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે તેના ગ્રુપના વાહનોને ટોલ ન ઉઘરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. તેમજ મૃતક દિવ્યરાજસિંહ અને ઓમદેવસિંહ જાડેજાને જમીનના પ્લોટના રૂ.પ0 લાખની લેતીદેતીની પણ માથાકૂટ ચાલતી હોય મામલો હત્યા સુધી પહોચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer