વિરડા વાજડી ગામે પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

વિરડા વાજડી ગામે પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
ઘર પાસે પંચર સાંધવાની કેબીન ધરાવતો યુવાન છાપરા નીચે સુતો’તો : સવારે લાશ મળી
રાજકોટ, તા.18 : મુંજકા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની માસુમ બાળકીની ગળુ કાપી હત્યા કરવાના બનાવનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યાં જ વિરડા વાજડીમાં વર્ષોથી રહેતા બીહારી યુવાનની નિદ્રાધીન અવસ્થામાં જ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડીમાં રહેતા મુળ બીહાર પંથકના મોહમ્મદ જશીમ મોહમ્મદ અલ્લાઉદીન શાહ નામના મુસ્લિમ યુવાનની તેના ઘર પાસે આવેલી પંચરની કેબીનના છાપરા નીચેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા ક્રાઈમબ્રાંચ, એસઓજી અને સ્થાનીક પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મોહમ્મદ જશીમ શાહ નામનો મુસ્લિમ યુવાન આઠેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયો હતો અને ઘર પાસે જ પંચરની કેબીન ધરાવતો હતે. ગતરાત્રીના કેબીનના છાપરા નીચે ખાટલો ઢાળીને સુતો હતો. ત્યારે રાત્રીના કોઈ અજાણ્યા શખસોએ ઝઘડો કરી મોહમ્મદ શાહના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયાનો બનાવ બન્યો હોવાનું ખૂલ્યું હતુ. મૃતક મોહમ્મદ તથા તેની પત્ની રોઝીના ખાતુન તથા એક પુત્રી અને એક પુત્ર સહિતનો પરિવાર વિરડા વાજડીમાં રહેતો હતો. મૃતક ચાર ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતો. પોલીસે મૃતક મોહમ્મદ શાહની હત્યા મામલે વિવિધ દીશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે યુનિ.પોલીસે મૃતક મોહમ્મદ શાહના શાપર-વેરાવળમાં સર્વેદય બસ સ્ટેશન પાસે રહેતા ભાઈ મોહમ્મદ નસીમ મોહમ્મદ અલ્લાઉદીન શાહની ફરિયાદ પરથી અજાણ્યા શખસો વિરૂધ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer