ભાડેરમાં પોરબંદરના પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

ભાડેરમાં પોરબંદરના પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
દંપતીએ ત્રણ બાળકો સાથે તળાવમાં ઝંપલાવ્યું: બે બાળકના મૃત્યુ
દંપતી-પુત્રને બચાવી લેવાયા : આર્થિક ભીંસથી પગલું ભરી લીધું
(ફૂલછાબ ન્યુઝ)
ધોરાજી, તા.18 : પોરબંદરના કડીવાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારે આર્થિક ભીસથી કંટાળી ભાડેર ગામે તળાવમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે બાળકોના મૃત્યુ નિપજયા હતા. જયારે દંપતી અને એક બાળકને ગ્રામજનોએ બચાવી લીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગતે એવી છે કે, પોરબંદરના કડીવાડ વિસ્તારમાં રહેતા શબ્બીર હામદભાઈ રાઠોડ અને તેની પત્ની રુકશાના, પુત્રી રેહાના, બે પુત્રો મોહમદ અને એહમદ સહિતના મુસ્લિમ પરિવારે ધોરાજીના ભાડેર ગામના તળાવમાં ઝંપલાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગ્રામજનોને જાણ થતા દોડી ગયા હતા અને તળાવમા ઝંપલાવનાર મુસ્લિમ પરિવારને બહાર કાઢયો હતો. જેમાં રેહાના શબ્બીર(ઉ.10) અને મોહમદના મૃત્યુ નિપજયા હતા. જયારે શબબીર, તેની પત્ની રુકશાના અને નાનો પુત્ર એહમદને બચાવી લેવામાં આવ્યા હતા.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પોરબંદરમાં રહેતા અને બેન્ડ પાર્ટીનું કામકાજ કરતા શબ્બીર રાઠોડએ લોકડાઉન બાદ ધંધો નહી ચાલતા અને ધંધા માટેથી લીધેલ કરજ વધી જતા કંટાળી ગયો હતો અને આર્થિક ભીસથી કંટાળી જઈ ચારેક દિવસ પહેલા પરિવાર સાથે ઉપલેટા રહેતા કુટુંબીજનોના ઘેર પરિવાર સાથે ગયો હતો અને શુક્રવારે કુટુંબીજનોને માણાવદર અન્ય સગાસંબંધીને ત્યાં જવાનું  કહીને રિક્ષા બાંધી હતી અને ભાડેર ગામ પહોંચ્યો હતો અને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામજનોએ જઈ દંપતી અને એક બાળકને બચાવી લીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer