આરોગ્ય કેન્દ્રો અને ‘ધનવંતરી’ રથનો સમય વધારતું કોર્પોરેશન

આરોગ્ય કેન્દ્રો અને ‘ધનવંતરી’ રથનો સમય વધારતું કોર્પોરેશન
સાંજે 4થી રાત્રે 9 સુધી લોકો લાભ લઈ શકશે
રાજકોટ તા.16 : શહેરીજનોને તાવ, શરદી, ઉધરસ, શ્વાસ રુંધાવો, ગળુ પકડાવું કે સ્વાદ અને સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક અસરથી ટેસ્ટ કરાવી લેવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે સાથોસાથ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોર્પોરેશનનાં તમામ આરોગ્ય કેન્દ્રોનો સમય વધારીને સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે જ્યારે ધન્વંતરી રથનો સમય સાંજે ચારથી રાત્રે નવ સુધીનો કરવામાં આવ્યો છે.
કમિશનરે એક યાદીમાં જણાવ્યું હતું કે, હાલ શહેરમાં નોકરી-ધંધા ચાલુ થઈ જતા લોકોને દિવસે મનપાની સેવા લેવાનો સમય મળતો ન હોવાથી ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સમય સેવા ચાલુ કરવામાં આવી છે. હવેથી ધનવંતરી રથ દ્વારા સાંજે 4થી 8 અને આરોગ્ય કેન્દ્ર ખાતે 4થી 9 સેવા આપવામાં આવશે. નોકરી, ધંધાએ જતા લોકોને રાત્રે અનુકુળ સમય રહે તે માટે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.  કમિશનરે ઉમેર્યું હતું કે, શહેરમાં 50 ધનવંતરી રથ કાર્યરત છે જેના દ્વારા લોકોને વિવિધ સેવાઓ આપવામાં આવે છે. આપનાં ઘર આંગણે આવીને સારવાર આપવામાં આવે છે. એટલે જ ધનવંતરી રથને હરતું-ફરતું દવાખાનું કહેવામાં આવે છે. કોરોના સામે લડવા માટે માણસની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી છે. જેટલી રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તેટલો કોરોના સામે લડી શકશે તે માટે મનપા દ્વારા રથ મારફત આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવા, નસ્ય સેવા આપવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer