‘કોરોના’ના સાચા આંકડા છુપાવવાનું કારસ્તાન !

‘કોરોના’ના સાચા આંકડા છુપાવવાનું કારસ્તાન !
મનપા દિવસમાં બે વખત યાદી પ્રસિદ્ધ કરે છે રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા લગભગ સરખી જ હોય છે
ટેસ્ટની સંખ્યા વધી તો દર્દીઓ કેમ ન વધ્યા ? : અનેક તર્ક-વિતર્ક
રાજકોટ, તા.16: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કોર્પોરેશન દ્વારા દિવસમાં બે વાર પોઝિટિવ દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવે છે જો કે, આ આંકડાઓમાં મોટી ગોલમાલ થતી હોવાનું શહેરીજનોને લાગી રહ્યું છે.
કોર્પોરેશન દિવસમાં એકવખત બપોરે 12 કલાકે અને બીજીવાર સાંજે પાંચથી 7 કલાક વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા જાહેર કરે છે જેમાં કેસોની સંખ્યા નિશ્ચિત રીતે 40થી 50 વચ્ચે જ હોય છે ક્યારેય કેસ ઘટતા નથી તો ક્યારેય વધતા પણ નથી. આવું કેવી રીતે હોય શકે ? મ્યુનિ.તંત્ર એક તરફ ટેસ્ટ વધારવામાં આવ્યા હોવાનો દાવો કરે છે, રોજના 7000 સુધીના ટેસ્ટ કરાતા હોવાનું ખુદ કમિશનર ઉદિત અગ્રવાલ જણાવે છે તો પછી પોઝિટિવ કેસની સંખ્યા ઓછી કેવી રીતે આવી શકે ?
દરમિયાન આજરોજ મનપા દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં 42 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે સાંજે વધુ 57 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4731ના આંકડાને સ્પર્શી ગઈ છે. 1238 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 193 વ્યક્તિઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં રીકરવરી રેટ 67.50 ટકા થયો છે જ્યારે પોઝિટિવિટી રેટ 3.23 ટકા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 1,43,247 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ક્યાંકને ક્યાંક ઉપરથી મળેલી સૂચનાને વશ થઈને મ્યુનિ.તંત્ર દ્વારા કોરોનાના કેસોના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. આમ પણ હવે મૃતાંક છુપાવવાનું તો બંધ જ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશને જે આંકડા પ્રસિદ્ધ કરે છે તેનાથી પોઝિટિવ કેસની સંખ્યા 10 ગણી વધુ હોવાનું ખાનગી તબીબો અને મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer