ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના પરિવારનો સામૂહિક આપઘાત

ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના પરિવારનો સામૂહિક આપઘાત
નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પત્ની અને બે પુત્રીની ગોળી મારી હત્યા કરી આપઘાત કર્યે
(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર, તા.16 : ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના પરિવારમાં સામૂહિક આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. નિવૃત્ત ડીવાયએસપી પુત્રએ તેની પત્ની અને બે પુત્રીની રીવોલ્વરમાંથી ગોળી છોડી હત્યા કર્યા બાદ પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ કરુણ બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી પુત્ર પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ તેની પત્ની બીનાબા અને બે પુત્રી યશસ્વિબા અને નંદીનીબાની રીવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કર્યા બાદ પૃથ્વીરાજસિંહે ગોળી મારી આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો.
આ અંગેની જાણ થતાં ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેની પરવાનાવાળી રીવોલ્વરમાંથી પત્ની અને બે પુત્રીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. ગરાસિયા પરિવારમાં સામૂહિક આપઘાતના મામલે શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ચારેયના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પૃથ્વીરાજસિંહે પોતાના મિત્રોને મેસેજ કરી પોતે આપઘાત કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું જો કે, મિત્રો પહોંચે તે પહેલા ચારેયના મૃતદેહો પડયા હતા. તેમણે બંગલામાં પાલતુ શ્વાન ટોમીને પણ ગોળી મારી હતી. આ સમયે તેમના પિતા ગામડે વતનમાં હતા. પૃથ્વીરાજસિંહ કોન્ટ્રાકટર અને જમીન લે-વેચનું કામ કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પૃથ્વીરાજસિંહની એક પુત્રી રાઇફલ શૂટિંગમાં રાજ્યકક્ષાએ વિજેતા બની છે. નિવૃત્ત ડીવાયએસપીપુત્રના પરિવારમાં સામૂહિક આપઘાત કરવા પાછળનું કારણ શું ? તે સહિતના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer