રાજ્યમાં 21મીથી શાળાઓ નહીં ખૂલે: શિક્ષણ મંત્રી ચુડાસમા

રાજ્યમાં 21મીથી શાળાઓ નહીં ખૂલે: શિક્ષણ મંત્રી ચુડાસમા
માતા-પિતાની પરવાનગી લઈને પણ બાળક શાળાએ જઈ શકશે નહીં: પ્રધાનમંડળની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહે કરી જાહેરાત
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 16: કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4માં 21 સપ્ટેમ્બરથી માતા-પિતાની પરવાનગી સાથે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળામાં માર્ગદર્શન મેળવવા જઈ શકશે તેવી જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં લઈને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં 21 સપ્ટેમ્બરથી કોઈપણ વિદ્યાર્થી માતા-પિતાની પરવાનગી લઈને પણ શાળાએ જઈ શકશે નહીં. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મરજિયાત છે.
શિક્ષણપ્રધાને કહ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થીના હિતમાં આ નિર્ણય લીધો છે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે તા.21 સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં. જો કે હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નિંગ’ તથા ‘ઓનલાઇન’ શિક્ષણ કાર્ય યથાવત્ રહેશે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ એસઓપી અનુસાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સમંતિ સાથે શાળાએ જઈ શકશે તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. જો કે આ કેન્દ્રની એસઓપીનો અમલ કરવો રાજ્યો માટે મરજિયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની એસઓપીની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે પરંતુ આવા સંજોગોમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસનાં માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.
અહીં નોંધવું ઘટે કે, કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં, તે સવાલનો આજે અંત આવ્યો છે. રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer