સુરતમાં બેંક ઓફ બરોડામાં રૂ.8.33 કરોડનો કૌભાંડ આચર્યાની ફરિયાદ

41 લોનધારક, બેંકના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 44 સામે નોંધાતો ગુનો
સુરત, તા.16: સુરતના ડુમ્મસ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાં લોનના ઓઠા હેઠળ રૂ.8.33 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યાની વિગતો પ્રકાશમાં આવતા 41 લોનધારક, બેંકના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 44 શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બીઓબીમાં સરકાર તરફથી ચાલતી વિવિધ યોજનાઓ અતગત ધિરાણ આપવામાં આવે છે. બેંક દ્વારા તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે ર016થી ર018ના સમયગાળામાં બેંકના કેટલાક અધિકારીઓએ પૂર્વાયોજિત કાવતરું રચીને કેટલીક પાર્ટીઓ સાથે મળી વિવિધ મશીનરીનાં નામે ધિરાણ આપવાનું જણાવી ઝીરોમેક્ષ ઈન્ડ્ર., વી.એમ.એન્ટરપ્રાઇઝ, તપોવન એન્ટરપ્રાઇઝ વગેરે પેઢીઓ મશીનરીના સપ્લાયર અને ડીલર છે. એવા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. બોગસ ક્વોટેશન લેટર બનાવી સહી સિક્કા કરી બેંકમાં રજૂ કર્યા હતા અને બેંકના સિનિયર મેનેજર ઉમેશ દલાલે ધિરાણ લેનાર પાર્ટી કે એકમના બેંક એકાઉન્ટમાં બિઝનેસ ટન ઓવર નહીં હોવા તેમજ ફોન નંબર વગરના ક્વોટેશન હોવા છતાં વેરિફિકેશન કર્યા વગર ક્રેડિટ ફેસિલિટી આપી હતી. અન્ય બેંકોમાંથી ક્રેડિટ ફેસિલિટી અંગેનાં ઓપિનિયન રીપોર્ટ મંગાવ્યા વગર તેમજ ફેક્ટરીના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હોવા છતાં સીબિલ રીપોર્ટ મંગાવવામાં આવ્યા નહોતા. બેંકના અધિકારીએ ધિરાણ યોજનાનો ગેરલાભ ઉઠાવીને નાણાનો દુરુપયોગ કરી રૂ.8.33 કરોડની બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે બેંક મેનેજરે ફરિયાદ કરતા સીઆઈડી ક્રાઇમે બેંકના તત્કાલીન અધિકારી ઉમેશ દલાલ, એજન્ટ નિલેષ વાઘેલા, ઝીરોમેક્ષના ભરત અકબરી અને ધિરાણ લેનાર મહિલાઓ સહિત 44 સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer