ઈક્મો ની સારવારથી સાંસદ અભય ભારદ્વાજની તબીયત સુધારા પર

ઈક્મો ની સારવારથી સાંસદ અભય ભારદ્વાજની તબીયત સુધારા પર
અમદાવાદ કે મુંબઈ લઈ જવાની કોઈ જરૂર નથી : નીતિન ભારદ્વાજ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.16 : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈકાલથી ફેફસાંમાં વ્યાપક તકલીફ શરૂ થઈ હતી. જેથી અમદાવાદથી ડોક્ટરની ટીમ અને સુરતથી છાતી-ફેફસાના નિષ્ણાત તબીબ ડો.સમીર ગામી સહિતના ચાર ડોક્ટરની ટીમ પણ રાજકોટ બોલાવવામાં આવી હતી. અભય ભારદ્વાજના ભાઈ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, હાલમાં ઓક્સિજન લેવલમાં ઘણો સુધારો છે. સુરતના ડોક્ટર ડો.સમીર ગામીએ તેમની ઈક્મો પદ્ધતીથી સારવાર શરૂ કરી છે. 8 દિવસ સુધી ફેફસાંની સારવાર કરવામાં આવશે.
નીતિન ભારદ્વાજે જણાવ્યું હતુ કે, ગઈકાલ સવારથી 100 ટકા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જેમાં અત્યારે 70 ટકાનો સુધારો થયો છે અને હવે 30 ટકા વેન્ટીલેટર સાથે સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ફેફસામાં ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઈડ ભળી જતા તકલીફ શરૂ થઈ હતી. પરંતુ ગઈકાલ રાત્રે સુરતથી આવેલા ડો.સમીર ગામીની ટીમે ઈક્મો પદ્ધતીથી શરૂ કરેલી સારવારથી અત્યારે ઓક્સિજન  લેવલ 98 થઈ ગયું છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ મોટાભાગનું ઘટી ગયું છે.
અભય ભારદ્વાજની તબીયત વધુ નાદુરસ્ત હોવાથી તેઓને અમદાવાદ કે મુંબઈ એઈમ્સ ખાતે ખસેડવાની વાત વહેતી થતા નીતિન ભારદ્વાજે આ અફવાનું ખંડન કરતા જણાવ્યું હતુ કે, અભયભાઇની તબીયત આજ સવારથી સારી છે અને ઈક્મા પદ્ધતીથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સમતલ જાળવવામાં સફળતા મળી છે. જેથી હવે રાજકોટ બહાર જવાની કોઈ જરૂર રહેતી નથી.
ઉલ્લેખનિય છે કે, ડો.અતુલ પટેલે સાંસદના હેલ્થ બુલેટિન અંગે જણાવ્યું હતું કે, અભયભાઇના શરીરમાંથી વાઇરસ તો નીકળી ગયો છે, પણ વાઇરસને નિક્રિય બનાવવા જે રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ છે એને કારણે ફેફસાંમાં ગઠ્ઠા જામવા લાગ્યા છે. આ કારણે ફેફસાંમાં ઓક્સિજન ઘટી રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડ વધ્યું છે. જેના કારણે શ્વસન માટે વેન્ટિલેટર પર મુકાયાં છે અને લોહી પાતળું કરવાની દવા અપાઈ હતી. આમ છતા તેમની તબીયમાં કોઈ સુધારો ન થતા ઈક્મો થેરાપી આપવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer