ખાખરાથર વીડનું રખોપું કરતા રાણીપાટ ગામના વૃદ્ધની હત્યા

ખાખરાથર વીડનું રખોપું કરતા રાણીપાટ ગામના વૃદ્ધની હત્યા
છ શખસ સામે નોંધાતો ગુનો: શોધખોળ
સરા, તા.16: મૂળી પંથકમાં રહેતા અને વીડીનું રખોપું કરતા રબારી વૃદ્ધની જૂના મનદુ:ખનો ખાર રાખીને ખાખરાથર ગામના છ શખસે ધારિયા-ફરસી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે હત્યારા છ શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, મૂળી તાબેના રાણીપાટ ગામે રહેતા અને ગામની સીમમાં આવેલ વઢવાણ મહાજન પાંજરાપોળ ખાખરાથર વીડનું વર્ષોથી રખોપું કરવાનું કામ કરતા ઉકાભાઈ ભગાભાઈ ધાંધલ નામના રબારી વૃદ્ધની ખાખરાથર ગામે રહેતા ખીમા સોમા સાબડ, છેલા દેવાયત, લાલા દેવાયત, જીવા ખીમા હકા ખીમા અને ભીમસી રતના નામનાં શખસોએ ઉકાભાઈ ધાધલને ગામની સીમમાં આતરી ધારિયા - ફરસી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયા હતા.
આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથધરેલી તપાસમાં મૃતક ઉકાભાઈ ધાંધલ વીડમાં ખાખરાથર ગામના લોકો તેના પશુ લઈને વીડમાં જતા હોય ત્યારે ઉકાભાઈ બહાર કાઢી મૂકતા હોય તેનો ખાર રાખીને છએ શખસે હત્યા કરી નાખી હતી. પોલીસે મૃતક ઉકાભાઈના પુત્ર રામસીભાઈની ફરિયાદ પરથી છએ શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer