બાબરી ધ્વંશ કેસનો ચુકાદો 30મીએ

બાબરી ધ્વંશ કેસનો ચુકાદો 30મીએ
28 વર્ષ બાદ થશે ન્યાય: અડવાણી, જોષી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપીને હાજર રહેવા ફરમાન
નવી દિલ્હી, તા.16: બાબરી મસ્જિદ તોડી પડાયાના દાયકાઓ જૂના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટ તા.30 સપ્ટેમ્બરે આખરી ફેંસલો સંભળાવશે. સીબીઆઈ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે આજે આ મામલે આખરી ફેંસલો આપવા માટે 30મી સપ્ટેમ્બર નક્કી કરી હતી.
સીબીઆઈ કોર્ટે ચુકાદાના દિવસે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટીયાર, સાક્ષી મહારાજ, સાધ્વી રિતંભરા, વિહિપ નેતા ચંપતરાય સહિત તમામ 3ર આરોપીને હાજર રહેવા તાકીદ કરી છે. સીબીઆઈના વકીલ લલિતસિંહે જણાવ્યું કે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બન્નેની દલીલો 1 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ છે. ત્યાર બાદ વિશેષ જજે ચુકાદો લખવાનું શરૂ કરી દીધું હતું. બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં સીબીઆઈએ 3પ1 સાક્ષી અને 600 દસ્તાવેજી પુરાવા રજૂ કરી દીધા છે.
અયોધ્યામાં કાર સેવકોએ 6 ડિસેમ્બર 199રના રોજ બાબરી મસ્જિદ તોડી પાડી હતી જે કેસનો ચુકાદો ર8 વર્ષ બાદ આવી રહ્યો છે. ગત મહિને સુપ્રીમકોર્ટે બાબરી મસ્જિદ ડિમોલિશન કેસની સુનાવણી કરી રહેલી વિશેષ સીબીઆઈ કોર્ટની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.
સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદનાં વિવાદીત માળખાને તોડી પાડવાને ગુનો કહ્યો હતો. કોર્ટના મતે આ ઘટનાએ સંવિધાનની ધર્મ નિરપેક્ષ છબીને ખરડાવી છે. સુપ્રીમ કોર્ટે વીઆઈપી આરોપીઓ વિરુદ્ધ ગુનાઇત ષડયંત્રના આરોપને બહાલ કરવાની સીબીઆઈની અરજીને સ્વીકારી હતી. એપ્રિલ ર017માં સુપ્રીમકોર્ટે રાયબરેલીમાં ચાલી રહેલા આ કેસને સીબીઆઈની વિશેષ કોર્ટમાં સ્થળાંતરની મંજૂરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer