રાજકોટમાંથી પિસ્તોલ સાથે મોરબીના ફાઇનાન્સર સહિતની ત્રિપુટી ઝડપાઈ

રાજકોટમાંથી પિસ્તોલ સાથે મોરબીના ફાઇનાન્સર સહિતની ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ, તા.16 : કુવાડવા - વાંકાનેર ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસેના સ્વસ્તિક વિલામાં રહેતા જમીન મકાનના ધંધાર્થી ભરવાડ સાગર ઉર્ફે મેહુલ ઘોઘા બાંભવા અને મોરબી રોડ પરના દિગ્વિજય નગરમાં રહેતા ભરવાડ ધારા જાલા રાતડિયા નામના બન્ને શખસને બાઇક લઈને નીકળતા ઝડપી લીધા હતા અને બન્ને શખસની તલાસી લેતા રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ અને ચાર કાર્ટિસ મળી આવતા કબજે કર્યા હતા.
પોલીસની આકરી પૂછતાછમાં આ હથિયાર મૂળ મોરબીના  હરીઓમ પાર્કમાં રહેતા અને હાલમાં નવાગામમાં રહેતા અને ફાઇનાન્સનું કામકાજ કરતા મનિષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવત નામના શખસે આપ્યાની કબૂલાત આપતા પોલીસે મનિષ ઉર્ફે મુન્નો રાવતને પણ ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મનિષ ઉર્ફે મુન્ના વિરુદ્ધ અગાઉ દારૂ, હથિયાર, મારામારી, ઠગાઈ સહિતના પાંચ ગુના નોંધાયા છે. મનિષ ઉર્ફે મુન્નાએ એકાદ વર્ષ પહેલા શોખ ખાતર હથિયાર ખરીદ્યું હતું અને પૈસાની જરૂરિયાત ઉભી થતા વેચવા માટેથી સાગરને આપ્યું હતું અને સાગર તથા ધારો વેચવા નીકળતા ઝડપાઈ ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer