20 દિવસમાં ભારત-ચીન વચ્ચે 3 વાર ગોળીબાર

20 દિવસમાં ભારત-ચીન વચ્ચે 3 વાર ગોળીબાર
LOC પર ભારત-ચીન વચ્ચે સ્થિતિ ગંભીર : ચીની સેના પીછેહઠ માટે તૈયાર નથી, ભારત પણ સજ્જ
નવી દિલ્હી, તા.16 : લદાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદી વિવાદ હવે ચરમ પર પહોંચી ગયો છે. છેલ્લા ર0 દિવસમાં ત્રણ વખત ગોળીબાર થયો છે. હાલત એવી છે કે ભારતના મક્કમ પ્રતિકાર બાદ છેલ્લા 33 વર્ષમાં પહેલીવાર ચીની સેના અત્યાર સુધીના સર્વોચ્ચ એલર્ટ પર છે.
ચાર દાયકાથી પણ વધુ સમય બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગોળીબાર થયો છે. સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે ગોળીબારની પ્રથમ ઘટના ત્યારે બની જયારે દક્ષિણ પૈંગોગની ટોચ પર ચીને કબ્જો કરવાનો પ્રયાસ કર્યો. ભારતના જવાનોએ ચીનના આવા દુ:સાહસનો જોરદાર જવાબ આપ્યો અને ચીની સૈનિકોને પાછા હટવા મજબૂર કર્યા. આ બનાવ ર9 થી 31 ઓગષ્ટ વચ્ચે બની હતી. બીજો બનાવ 7 સપ્ટેમ્બરે મુખપારીની ટોચ પર બન્યો. ત્રીજો બનાવ 8 સપ્ટેમ્બરે પૈંગોગ તળાવના ઉત્તર કિનારે બન્યો હતો. દરમિયાન બંને સેનાના જવાનોએ 100 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ચીની સેનાના આક્રમક વલણને કારણે ગોળીબારના આ બનાવો બન્યા હતા. સરહદે ભારત-ચીન વચ્ચે વ્યાપ્ત તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો ચાલી રહી છે તેમ છતાં ચીની સેના પાછળ હટી નથી અને ભારતે પણ એલએસી પર લાંબા સમયના રોકાણ માટે તૈયારીઓ કરી હોવાથી બંને દેશ વચ્ચે હાલ સૌથી ચિંતાજનક સ્થિતી સર્જાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer