પોલીસગીરી હવે નહીં: દેશના તમામ પોલીસ સ્ટેશનમાં લગાવાશે CCTV

પોલીસગીરી હવે નહીં: દેશના તમામ પોલીસ સ્ટેશનમાં લગાવાશે CCTV
પોલીસ વ્યવસ્થાને વધુ પારદર્શી-સંવેદનશીલ બનાવવા સુપ્રીમ આગળ આવી
નવી દિલ્હી, તા.16: દેશભરમાં છાશવારે પોલીસગીરી છાપરે ચઢતી રહે છે. સામાન્ય માણસ માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવા આજે પણ સુખદ અનુભવ હોતો નથી પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ મનફાવે તેમ વર્તી નહીં શકે કારણ કે તેમની દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરાની નજર હશે. એક મહત્ત્વના નિર્દેશમાં સુપ્રીમકોર્ટે પોલીસગીરી પર લગામ મૂકતા તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવીની નજર હેઠળ આવરી લેવા પર ભાર મૂકી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરી પાસે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાના સ્થાપન અંગેની માહિતી માગી છે.
પોલીસ વ્યવસ્થાને વધુ પારદર્શી અને સંવેદનશીલ બનાવવાના ઉદેશ સાથે સુપ્રીમકોર્ટે દેશના તમામ પોલીસ સ્ટેશનોને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવા નિર્દેશ આપ્યો છે.એક આદેશમાં કોર્ટે ટાંકયુ કે આ એક મહત્ત્વનું પગલું છે કારણ કે તેમાં નાગરીકોના બંધારણિય અધિકારો સંકળાયેલા છે. સુપ્રીમ કોર્ટે ગત મહિને દેશના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા અને પોલીસ અધિકારી સમક્ષ નોંધાવવામાં આવતા નિવેદનનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કરાવવા મામલે એટર્ની જનરલ પાસે મદદ માગી હતી. વર્ષ ર018ના એક ચુકાદાને ટાંકી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રોહિન્ટન એફ.નરીમાનની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકાર પાસે આ મામલે 7 સપ્ટે. સુધીમાં વિસ્તૃત સોગંદનામુ માગ્યુ હતુ. જેથી આ કામગીરી કયાં પહોંચી તે વિશે જાણી શકાય. હત્યાના એક કેસમાં બે શખસને પ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં કથિત ગેરકાયદે કસ્ટડીમાં રાખી ટોર્ચર કરવાના એક કેસમાં પંજાબ પોલીસના ડીએસપી પરમવીરસિંઘ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યા બાદ અપીલના પ્રતિભાવમાં કોર્ટે નિર્દેશ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer