તળાજાના યુવાન સાથે બેંકમાંથી લોન અપાવી દેવાના બહાને ઠગાઇ

તળાજા, તા. 15: અહીંના દીનદયાલનગરમાં રહેતા અને ધનભાઇ ચોકમાં સિલાઇ કામ કરતાં ઘનશ્યામભાઇ વલ્લભભાઇ સરવૈયા સાથે બેંકમાંથી લોન અપાવી દેવાના બહાને ઠગાઇ કરવા અંગે ત્રણ શખસ સામે ફરિયાદ થઇ છે.
આ અંગે ઘનશ્યામભાઇએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે  ધનબાઇ ચોકમાં રેડિયોની દુકાને બેસતા જયેશ અશોકભાઇ સરવૈયા,  દિલાવર ઉસ્માનભાઇ પઠાણ અને ભાવનગરની જૂની માણેકવાડીમાં રહેતાં અમીન નઝીરભાઇ મલેકના નામ આપ્યા હતાં. આ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે,  જયેશે  સેન્ટ્રલ  બેંકમાંથી રૂ. 50 હજારની લોન અપાવી દેવાના બહાને તેના આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બીલ, ફોટા મેળવી લીધા હતાં.  બાદમાં ત્રાપજની સેન્ટ્રલ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. બાદમાં તેની પાસેથી બેંકની ચેકબુકના કોરા ચેકમાં સહીઓ કરાવી લીધી હતી. તેણે જયેશ પાસે લોનની રકમની ઉઘરાણી કરતાં રૂ. ત્રણ હજાર આપ્યા હતાં અને  રૂ. આઠ હજાર માગુ છુ તે આપતો નહી તેમ જણાવ્યું હતું. લોકડાઉન ખુલતા એક વ્યકિત તેની પાસે આવી હતી અને એવું કહ્યું હતું કે, તમારા નામનું ખાતુ મેં રૂ. સવા લાખમાં વેચાતુ લીધું છે. એ પછી તેને ચેક પરત ફરવા અંગે વકીલની નોટિસ મળી હતી. તપાસ કરતાં તેના ખાતામાં લાખોના ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યું હતું. આ રીતે તેની સાથે લોન અપાવી દેવાના બહાને ઠગાઇ થઇ હતી. આ ફરિયાદ અંગે પીએસઆઇ જે.કે. મુળિયાએ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડની સાથે જીએસટી ચોરીનું કારસ્તાન હોવાની શંકા વ્યકત થઇ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer