LCBનાં જુગાર દરોડાથી ગીન્નાયેલી જેતપુર પોલીસે વયોવૃધ્ધને માર્યો ઢોર માર ! ફોજદારની સિંઘમગીરીથી રોષ

ગોંડલનાં વયોવૃધ્ધ હોસ્પિટલમાં લોહીલુહાણ સાથે દાખલ: જિલ્લા પોલીસ વડા જેતપુરના ફોજદાર સામે કોઇ પગલા ભરશે !
જેતપુર, તા.15 (ફૂલછાબ ન્યુઝ) જેતપુર શહેરના બાવાવાળાપરામાં એક રહેણાક મકાનમાંથી એલસીબીએ છ શખ્સોને જુગાર રમતા ઝડપી સિટી પોલીસને સોંપ્યા બાદ સિટી પીઆઇએ એક વયોવૃદ્ધને એટલો માર્યો કે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવો પડયાં હતો.
રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરાત્રીના શહેરના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ રહેતા જીતેન્દ્ર રામાણીના ઘરે છાપો મારીને રમેશચંદ્ર નથવાણી, સહેજાદ રફીક છુટાણી, અનિલ બારૈયા, સુધીરભાઈ ચાવડા, ભાવીન ઉદેશી અને લલિતભાઈ ડોસાભાઈ અઢીયાને રૂ.1.94 લાખના  મુદ્દામાલ સાથે ઝડપી સિટી પોલીસને હવાલે કર્યા હતા.
સિટી પોલીસના હદ વિસ્તારમાં એલસીબીએ જુગારની સફળ રેઇડ કરતા સિટી પોલીસ ગીન્નાઇ હતી. નાક કપાઇ જતાં તમામ આરોપીને બીજા પોલીસ સ્ટેશનના પટ્ટાનો સ્વાદ ચખાડયા બાદ બીજા દિવસે જ છોડવા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ બીપીના દર્દી ગોંડલના વતની લલિતભાઈ અઢીયાને લો પ્રેસર થઈ જતા સિટી પોલીસના કોન્સ્ટેબલ પ્રવીણભાઈએ લલિતભાઈના પુત્ર દિલીપભાઈને ફોન કરીને તેમના પિતા માટે બીપીની દવા લઈ આવવાનું કહ્યું પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાથી કોઈ મેડિકલ ખુલ્લા ન હોય અને સરકારી હોસ્પિટલમાં દર્દીને તપાસ્યા  વગર દવા આપવાની ના પાડી દીધી.
ત્યારબાદ થોડીવાર બાદ પોલીસ સ્ટેશનમાં સિટી પીઆઇ જે.બી. કરમુર આવીને કોને દવાની જરૂર છે મારી પાસે દવા છે તેમ કહી લલિતભાઈને અગાસી પર લઈ જઈ હાથ, મોઢે, પીઠ, તેમજ માથામાં પટ્ટા વડે એટલો માર માર્યો કે પીઆઇ પોતે હાંફી ગયા અને લલિતભાઈ પર થુંકી ત્યાં કોઈ વાહનની વ્હીલ પ્લેટ પડી હતી તે ઉપાડી ત્રણ વાર મારતા કાનમાંથી લોહી દળદળ વહેતુ થઇ ગયું. લલિતભાઈ લોહીલુહાણ થઈ જતા પોલીસે ફરી તેમના પુત્રને ફોન કરી તેમના પિતાને હોસ્પિટલે લઈ જવા જણાવતા દિલીપભાઈ પોલીસ સ્ટેશને આવીને પોલીસ સ્ટેશનથી લલિતભાઈને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે લઈ ગયેલ ત્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસી તેઓને થયેલ ઇજાના કોઈ નિષ્ણાત તબીબ હાલમાં ન હોવાથી રીફર નોટ આપી હતી.  આ દરમિયાન હોસ્પિટલથી પોલીસ સ્ટેશને જાણ કરતા પીએસઆઈ એન.વી. હરિયાણીએ હોસ્પિટલે પહોંચતા પીઆઇ કરમુરે મારમાર્યો તેટલું નિવેદન નોંધાવતા તેમની તબિયત લથડતા પોતે વધુ સારવાર માટે રીફર થયા અને બાકીનું નિવેદન પછી નોંધાવશે તેમ લલિતભાઈએ જણાવ્યું હતું.

વહેલા છોડવા પોલીસે પૈસા માગ્યા ?
વધુમાં ફરિયાદી લલિતભાઈએ જણાવેલ કે, એલસીબીએ જુગારની રેઇડ કરી હોવાથી પીઆઇએ તમામ આરોપીને એક દિવસ લોકઅપમાં બીજા દિવસે 151માં અને ત્રીજા દિવસે મામલતદારમાં રજૂ કરીને છોડવાના અને વેલું છૂટવું હોય તો પૈસા આપવા પડશે જેથી બે લાખ એંસી હજાર રૂપિયા આપ્યા અને છોડવાનું કહેતા, આ તો જુગાર રમ્યા તેના ન મારવાના બીજા ત્રણ લાખ આપવાના તેમ કહેતા પોતાને બ્લડ પ્રેસર વધી ગયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer