ઓસિ.ને રાહત: ઇંગ્લેન્ડ વિ.ના આજે નિર્ણાયક વન ડેમાં સ્મિથ રમશે

ઓસિ.ને રાહત:  ઇંગ્લેન્ડ વિ.ના આજે નિર્ણાયક વન ડેમાં સ્મિથ રમશે
માંચેસ્ટર, તા.1પ: પ્રવાસી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ત્રણ વન ડેની સિરિઝનો ત્રીજો અને આખરી નિર્ણાયક મેચ આવતીકાલ બુધવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. શ્રેણી હાલ 1-1ની બરાબરી પર ચાલી રહી છે. આથી ત્રીજો વન ડે ફાઇનલ સમાન બની રહેશે. પહેલા મેચમાં ઓસ્ટ્રેલિયાનો આસાનીથી વિજય થયો હતો, પણ બીજા મેચમાં કાંગારૂ બેટધરો 232 રનનો સમાન્ય લક્ષ્યાંક પાર કરી શકયા ન હતા અને 207માં ડૂલ થઇ ગઇ હતી. આ જીતથી ઇંગ્લેન્ડનો આત્મવિશ્વાસ વધ્યો છે. બન્ને મેચમાં ઓસ્ટ્રેલિયાને તેના સ્ટાર બેટસમેન સ્ટીવન સ્મિથની ખોટ પડી હતી. મીડલ ઓર્ડરમાં ઓસ્ટ્રેલિયા સંઘર્ષ કરતું જોવા મળ્યું હતું. હવે ઓસિ. ટીમ માટે રાહતના સમાચાર છે. કારણ કે નિર્ણાયક વન ડેમા સ્મિથ રમે તેવી શકયતા છે. તેણે મેદાન પર અભ્યાસ કર્યોં હતો. ટીમના કોચ જસ્ટિન લેંગરે કહ્યંy છે કે મેચ પૂર્વેના બેટિંગ અભ્યાસ બાદ અમે સ્મિથની ઉપલબ્ધિ વિશે આખરી નિર્ણય લેશું.
બન્ને દેશ વચ્ચે આ પહેલા ટી-20 શ્રેણી રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડનો 2-1થી વિજય નોંધાયો હતો. હવે વન ડે શ્રેણીમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડના પ્રવાસનો અંત કરવા ઇચ્છશે. બુધવારનો મેચ પૂરો કર્યાં બાદ બન્ને દેશના આઇપીએલમાં રમનાર ખેલાડીઓ ખાસ વિમાનમાં ગુરૂવારે યૂએઇ રવાના થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer