આખરે થોમસ-ઉબેર કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ સ્થગિત

આખરે થોમસ-ઉબેર કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ સ્થગિત
- ડેનમાર્ક ઓપન નિર્ધારિત સમયે યોજાશે
નવી દિલ્હી, તા.1પ: કોરોના મહામારીને લઇને ટોચની ટીમોએ નામ પાછા ખેંચી લેવાના કારણે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યૂએફ)એ ડેનમાર્કમાં રમાનાર થોમસ અને ઉબેર કપ ટૂર્નામેન્ટ આખરે 2021 સુધી સ્થગિત કરી દીધી છે. ભારતે તા.3થી 11 ઓકટોબર વચ્ચે રમાનાર આ પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે પીવી સિંધુ અને કે. શ્રીકાંતની આગેવાનીમાં મહિલા-પુરુષ ટીમ જાહેર કરી દીધી હતી.
કોરોના મહામારીને લીધે થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીની તાઇપે, અલ્જીરિયા, ઇન્ડોનેશિયા, દ. કોરિયાએ નામ પાછા ખેંચી લીધા હતા. ચીન, જાપાન, સિંગાપોર અને હોંગકોંગની ટીમ પણ ખસી જવાની તૈયારીમાં હતી. ભારતની સ્ટાર સાઇના નેહવાલે પણ આયોજન પર ચિંતા દર્શાવી હતી. આ પછી બીડબ્લ્યૂએફએ આપાત બેઠક (ઓનલાઇન) બોલાવી હતી. જેમાં થોમસ અને ઉબેર કપ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જાહેર કર્યું હતું કે 2021માં ટૂર્નામેન્ટ કયારે યોજાશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. જો કે ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 13થી 18 ઓક્ટોબર દરમિયાન ઓડેંસેમાં યોજાશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer