જૂનાગઢ જિલ્લામાં 44 દી’ માં કોરોનાએ 286નો ભોગ લીધો: ઢાંક પિછોડો ઉઘાડો

સિવિલમાં કોરોનાના મોતનું રજિસ્ટર પુરાવો
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ, તા.15: જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર બેકાબૂ બનતા, સરકારના ઇશારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વાસ્તવિકતામાં ઢાંક પિછેડો કરવામાં આવતો હતો. પરંતુ મીડિયાએ પર્દાફાશ કરતા 44 દિવસમાં 286 કોરોના દર્દીઓનો ભોગ લેવાયાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરતા આરોગ્ય તંત્ર દ્વારા દર્દીનું નામ, સરનામું, ઉંમર સહિતની વિગતો જાહેર કરવા લાગ્યું હતું. અને રોજ રોજની વિગતેથી પ્રજાજનો પણ વાકેફ થતા હતા. આનાથી લોકો સતર્ક બન્યા હતા અને સરકારની ગાઇડ લાઇનનો અમલ કરતા થયા હતા.
પરંતુ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા લાગતા અને મૃત્યુ વધતા રાજ્ય સરકાર ચોંકી હતી અને કોરોનાને કાબૂમાં લેવા માટે સચિવની નિયુક્તિ કરી હતી. ત્યાર બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની વાસ્તવિકસતા છૂપાવવાનો ખેલ શરૂ કર્યો હતો.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ કે જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાળા મીડિયાથી દૂર ભાગવા લાગ્યા, સોનાપુરીમાં તપાસમાં દરરોજ દસથી વધુ કોરોનાના મૃતદેહો આવતા હોવા છતાં જિલ્લા આરોગ્ય તંત્ર સપ્તાહમાં એકાદ મૃત્યુ જાહેર કરતા હતા.
આ સ્થિતિમાં કોરોનાની વાસ્તવિક સ્થિતિથી પ્રજાજનોને અવગત કરાવવા  મીડિયાએ સિવિલ હોસ્પિટલ ઉપર નજર દોડાવી હતી અને પખવાડિયાની જહેમત બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃત્યુનું રજિસ્ટર હાથ આવતા તંત્રની ગોલમાલનો પર્દાફાશ થયો છે.
સિવિલ હોસ્પિટલના કોરોના મોતના રજિસ્ટરમાં મૃતકનું નામ ઉંમર, રહેઠાણ, દાખલ તારીખ અને મૃત્યુની તારીખ દર્શાવાઇ છે. આ રજિસ્ટર પ્રમાણે છેલ્લા 44 દિવસમાં ર86 મૃત્યુ થયાનું બહાર આવ્યું છે અને 4 હજાર કેસો એકટીવ હોવાનું સામે આવતા જિલ્લા તંત્ર હરકતમાં આવી ગયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer