કોરોનાગ્રસ્ત સાંસદ અભયભાઇ ગંભીર: અમદાવાદથી ખાસ પ્લેનમાં તબીબો આવ્યા

પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને તબીબોની ટીમે સારવાર અંગે જાત માહિતી મેળવી: ઓકસીજન- કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ સંતુલિત કરાશે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 15: રાજ્યસભાના સાંસદ અને રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ ધારાશાત્રી અભયભાઇ ભારદ્વાજની કોરોના સંક્રમણના કારણે તબિયત ગંભીર બની હતી. તેમની સારવાર માટે અમદાવાદના સ્પેશ્યલ રોગ નિષ્ણાત ત્રણ તબીબની ટીમ પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે ખાસ વિમાન દ્વારા રાજકોટ પહોંચી હતી.
અમદવાદથી ચેપીરોગના નિષ્ણાત ડૉ. અતુલ પટેલ, ફેફસાના રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલ, હૃદય રોગના નિષ્ણાત ડૉ. આનંદ શુકલાની ટીમ અને મંત્રીએ રાજકોટ પીડીયુ કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇને સાંસદ અભયભાઇ ભારદ્વાજની તબિયત અંગે જાત માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાજકોટના ડૉ. ચીરાગ માત્રાવાડિયા, ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા, ડૉ. ધીરેન તન્ના સાથે અભયભાઇને અપાઇ રહેલી સારવાર અંગે પરામર્શ કર્યો હતો. ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, અભયભાઇની સારવાર માટે જરૂર પડયે ઓકસીજન અને કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ સંતુલીત કરવા એકમો મશીનની મદદ લેવાશે. ડૉ. તુષાર પટેલે રાજકોટ પીડીયુમાં કોરોના દર્દીઓ માટે અધ્યતન સારવાર ઉપલબ્ધ હોવાનું એઇમ્સ જેવી જ સારવાર અપાતી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ પર પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હોસ્પિટલ ખાતેના નોડલ ઓફિસર ડૉ. રાહુલ ગુપ્તા અને અન્ય તજજ્ઞ સાથે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે પરામર્શ કર્યો હતો. આ સમયે તેની સાથે સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઇ બોઘરા, ભાજપના અગ્રણી કમલેશ મીરાણી, નિતીનભાઇ ભારદ્વાજ, મનિષ રાડિયા, અધિક કલેકટર પરીમલ પંડયા વગેરે જોડાયા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer