ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોના મુક્ત થયા: હોમ ક્વોરોન્ટાઇન થશે

પાટીલનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા અપાશે
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.15 : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના અંગેનો આરટી-પીસીઆર રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રદેશ પ્રમુખ આજે કોરોના મુક્ત થતા તેમના પ્રશંસકોમાં હાશકારો થયો છે. સી. આર. પાટીલે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી અને તેઓને આવતીકાલે બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે.
પાટીલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મારો આરટી-પીસીઆર રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. મને બુધવારે હોસ્પિટલમાંથી રજા મળશે. મારાં સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મહત્ત્વનું છે કે, પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી.આર. પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને ચાર દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. જે પછી અંબાજી માતાના દર્શન કરીને ત્રણ દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. જેમાં તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા અને અનેક બેઠકો કરી હતી. જેને પગલે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
પાટીલ કોરોના સંક્રમિત થતા તેઓને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ અત્યાર સુધી તેમના ત્રણ રીપોર્ટ કાઢવામાં આવ્યા છે. ગઈકાલે સોમવારે પાટીલનો બીજો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને આ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેમના શરીરમાં વાયરસનો લોડ ઘટી રહ્યો હતો. એક સપ્તાહની ટ્રીટમેન્ટ પછી આજે તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. આખરે આજે તેઓ કોરોનામુક્ત થયા છે. જોકે, તેઓ 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસું સત્રમાં હાજરી નહીં આપી શક્યા. 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થયું છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે.
દરમિયાન, ભાજપના પ્રવકતા ભરતભાઇ પંડયાએ કોરોનાને મહાત આપી છે અને એમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer