રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન કોરોનાગ્રસ્ત: હોમ આઇસોલેટ

14 દિવસ રજા ઉપર ઉતરવાને બદલે: ઘરેથી જ કામગીરી કરશે
જાણીતા વકીલ અનિલભાઈ દેસાઈ, જિલ્લા બેંકના 18 કર્મચારીઓ સંક્રમિત
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 1પ: કોરોનાનો કહેર સમાજના દરેક લોકો પર એકધારો વરસી રહ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના સંક્રમિત થતા કલેક્ટર કચેરી અને અધિકારીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કલેક્ટર રેમ્યા મોહન છેલ્લા છ મહિનાથી એકધારા કોરોનાને કાબુમાં લેવા દોડધામ કરી રહ્યા હતા. આજે પણ કોરોના સંદર્ભે યોજાયેલી બેઠક બાદ તેમની તબિયત પ્રતિકુળ જણાઈ હતી. ગળામાં બળતરા થતા તેમણે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેમણે કોરોનાની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી હતી અને બાદમાં હોમ આઈસોલેટ થયા હતા. કલેક્ટરને કોરોનાના હળવા એ સિમ્ટોમેટિક લક્ષણો જણાયા છે.
નાદુરસ્તી છતાં રજા પર ઉતરવાને બદલે કલેક્ટરે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરીયડ દરમિયાન ઘરેથી જ વહીવટી કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ તેમની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે. સમાજના એક પછી એક પ્રતિષ્ઠિત લોકોને સંક્રમિત કરતા કોરોનાએ આજે જાણીતા વકીલ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઈ દેસાઈને પણ સંક્રમિત કર્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ ક્વોરન્ટાઈન થયા છે.
ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા બેંકમાં વડી કચેરીમાં પ સહિત વિવિધ ર00 જેટલી શાખામાં કુલ 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer