ઉડતા ગુજરાત : મોડાસા પાસેથી કારમાંથી $ 1.20 કરોડનું ચરસ પકડાયું

ઉડતા ગુજરાત : મોડાસા પાસેથી કારમાંથી $ 1.20 કરોડનું ચરસ પકડાયું
  • કરોડાનું એમડી ડ્રગ્સ ઘૂસાડવામાં સાથ આપનાર  એએસઆઇ જ નશાનો બંધાણી નિકળ્યો: દસ દી’માં $ 2.20 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ: 23 ઝબ્બે
 
(ફૂલછાબ ન્યુઝ)
મોડાસા/અમદાવાદ, તા. 15:  પંજાબ, મુંબઇ, ગોવા અને દિલ્હી બાદ હવે ગુજરાત ઉડતા ગુજરાત બન્યું છે. વડોદરા એકસપ્રેસ ટોલપ્લાઝા પાસેથી રૂ. એક કરોડનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપાયાની તપાસ ચાલે છે ત્યાં જ મોડાસા પાસેથી રૂ. 1.20 કરોડના ચરસના જથ્થા સાથે એક શખસને દબોચી લેવામાં આવ્યો છે.
શામળાજી-રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન  છે ત્યારે હવે અમદાવાદ-ઉદેપુર હાઇ-વે માદક પદાર્થ ઘૂસાડવા માટે સેફ હેવન બન્યો છે. કાશ્મીરથી મોટા પ્રમાણમાં ચરસ સહિતના માદક પદાર્થનો ઠાલવવા માટે આ હાઇ-વેનો ઉપયોગ થવા લાગ્યો છે.
અરવલ્લી જિલ્લાના માર્ગો પર ખાનગી કાર સહિતના વાહનમાં  ચરસની હેરાફેરી થતી હોવાની ચોકકસ બાતમીના આધારે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે મોડાસા પાસે ખાનગી કારમાં વોચ ગોઠવી હતી. આ સમયે દિલ્હી પાસિંગની એક વેગનઆર કાર નિકળતા તેને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. આ તલાશીમાં  કારમાંથી રૂ. 1.20 કરોડની કિંમતનું 16 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલકને અટકાયત લેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને
એનસીબીની ટીમે ઓપરેશન પાર પાડયું હતું.
વડોદરા એકસપ્રેસ ટોલ પ્લાઝા પાસેથી રૂ. એક કરોડની કિંમતના એમડી ડ્રગ્સના ગુનામાં પકડાયેલ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનનો એએસઆઇ ફીરોઝ નાગોરી ખુદ ડ્રગ્સનો બંધાણી હોવાનું ખુલ્યું છે. તે અગાઉ સ્થાનિક ડ્રગ્સ ડીલર પાસેથી ખરીદી કરતો હતો. બાદમાં શહજાદ તેજાબવાલા અને આરીફ ઉર્ફે મુન્નો કાઝી  સાથે મળીને મુંબઇથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ લાવવાનું નક્કી કર્યુ હતું. પોલીસનું ચેકીંગ થાય તો નિકળી જવાય તે માટે એએસઆઇ ફીરોઝ નાગોરીને સાથે  રાખવામાં આવતો હતો. આ ડ્રગ્સ કૌભાંડમાં કુલ પાંચ શખસની અટકાયત કરવામાં આવી છે. આ શખસોની પૂછપરછમાં  મુંબઇ અને ગોવાના ડ્રગ્સ માફિયાઓના નામો બહાર આવે તેવી શકયતા છે. મુંબઇ અને ગોવાના ડ્રગ્સ માફિયાઓની તપાસ માટે અલગ અલગ બે ટીમને રવાના કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે ડ્રગ્સ અને હેરોઇનની હેરાફેરીની ચેઇન તોડવાની  વાત કરી હતી. બાદમાં તા. 5થી 25 સપ્ટેમ્બર સુધી માદક પદાર્થ અને અન્ય નશાની વસ્તુઓને લઇને સ્પેશ્યલ ડ્રાઇવ યોજવાનો આદેશ કર્યો હતો. છેલ્લા દસ દિવસમાં રૂ. 2.20 કરોડનું એમડી અને ચરસ જેવું ડ્રગ્સ ઝડપાયું છે. કુલ 24 શખસને ઝબ્બે કરાયા છે.
માદક દ્રવ્યો બદલાય ન જાય કે ચોરી ન થાય તેને ધ્યાનમાં રાખીને  તેનો નાશ નિકાલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. દરેક જિલ્લા અને શહેરોમાં પણ સૂચના આપવામાં આવી છે.ડ્રગ્સ જેવા કેસોમાં રાજ્ય સરકાર બાતમીદારો અને પોલીસને ઇનામ મળે તે માટે ઇનામ યોજના માટે પણ વિચારી રહી છે. જેનાથી વધુ કેસ થઇ શકે છે
અમદાવાદના યુવાઓ એમડીના રવાડે
ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. મુંબઇ, દિલ્હી, ગોવા બાદ હવે અમદાવાદમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનું ચલણ વધી રહ્યુ છે. અમદાવાદમાં યુવાધન દ્વારા યોજાતી રેવ પાર્ટીમાં ડ્રગ્સ સ્ટેટસ સિમ્બોલ ગણાવા લાગ્યું છે. શ્રીમંત પરિવારના યુવાન-યુવતીઓ એમડી ડ્રગ્સના રવાડે ચડી ગયા છે.
મુંબઇ કનેકશન
એમડી ડ્રગ્સનું મુંબઇ કનેકશન ખુલ્યું છે. અમદાવાદ અને મુંબઇની એક આખી સર્કિટ કામ કરી રહી છે. આ નેટવર્ક સાથે અનેક શખસો સંડોવાયા છે. કોઇ રાતોરાત માલદાર બનાવ માટે, કોઇ નશા બંધાણના કારણે તો કોઇ દેણામાંથી બહાર નિકળવા ડ્રગ્સના રેકેટમાં જોડાયા છે.
પડીકીઓ બનાવીને વેચાય છે
મુંબઇ સહિતના સ્થળેથી ડ્રગ્સનો જથ્થો મેળવીને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ   પડીકીઓ બનાવવામાં આવે છે. આ પડીકીઓનું 10 જેટલા ડ્રગ્સ પેડલર મારફતે વેચાણ કરવામાં આવે છે.
શહેઝાદ  અગાઉ પણ પકડાયો’તો
પેરોલ જમ્પ કરીને નાસી ગયેલો શહેઝાદ તેજાબવાલાને 2019માં ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.  બાદમાં ફરી તેણે આ ધંધો શરૂ કર્યો હતો.
----------
નશાનો કારોબાર કોડ પર ચાલે છે
માદક દ્રવ્યો અને નશાનો કાળો કારોબાર કોડ પર ચાલે છે. શહેરમાં ઝીપર(એક ગ્રામ પાવડર ફોર્મ), દાણા (ક્રિસ્ટલ ફોર્મ) અને રજનીગંધાના નામથી એમડી ડ્રગ્સ વેચાય છે. ગ્રાહક યુવકને શાણા અને યુવતીને ચીડિયાના કોડવર્ડથી ડ્રગ્સ આપવામાં આવે છે. ડ્રગ્સની નેટવર્ક ઓનલાઇન ચાલે છે.
તેજાબવાલા બંધુ માસ્ટર માઇન્ડ
એમડી ડ્રગ્સમાં ઢાલવરવાડનો શહેઝાદ તેજાબવાલા, જમાલપુરનો ઇમરાન અજમેરી, ઇમ્તાયાઝ શેખ અને મઝહર તેજાબવાલા પકડાયા છે. તેમાં તેજાબવાલા બંધુ માસ્ટર માઇન્ડ હોવાનું જણાવાય છે. ડ્રગ્સનો જથ્થો શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અહેમદ અજમેરીનો હતો. શહેઝાદ અને ઇમરાના મુંબઇની સન હોટલમાંથી રૂ.એક કરોડનું ડ્રગ્સ ખરીદીને લાવ્યા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer