કોરોનાનો ક્યારે અસ્ત? સૌરાષ્ટ્ર ત્રસ્ત: વધુ 481 ગ્રસ્ત

કોરોનાનો ક્યારે અસ્ત? સૌરાષ્ટ્ર ત્રસ્ત: વધુ 481 ગ્રસ્ત
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 1પ: માર્ચ મહિનાથી કોરોનાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના જિલ્લા-તાલુકા અને ગામડામાંથી દરરોજ સરેરાશ 400થી વધુ કેસો સામે આવી રહ્યા છે. સાજાસારા લોકોને ચીર નિદ્રામાં પોઢાડી કોરોના મોતના ડાકલા વગાડી રહ્યો છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં વધુ 481 કેસ નોંધાયા છે. કોરોનાથી ત્રસ્ત સૌરાષ્ટ્ર આ મહામારી વહેલી તકે અસ્ત થાય તેવું ઈચ્છી રહ્યો છે.
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કોરોનામાં ઘેરાઈ ગયું હોય તેવો ઘાટ થયો છે. આ મહામારીનો નાશ કરવામાં તો ઠીક હળવી કરવામાં પણ તંત્રના પ્રયાસો અપુરતા અને નિષ્ફળ રહ્યા હોય તેમ આજરોજ શહેરમાં વધુ 94 અને તાલુકાઓમાં 47 મળી કુલ 141 કેસ નોંધાયા હતા. તંત્રએ મૃત્યુના આંકડા આપવાનું બંધ કર્યું છે પરંતુ ચર્ચાતી વાત પ્રમાણે આજે શહેરમાં 31 મળી કુલ 39થી વધુના મૃત્યુ નિપજ્યા હતા.
જામનગર : છેલ્લા 24 કલાક દરમ્યાન સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલા વધુ 11 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ ઉપરાંત જામનગર શહેરનાં 102 અને જિલ્લાનાં 21 સહિત નવા 123 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કોરાનાના નવા 35 કેસ નોંધાયા છે. તેમાં જૂનાગઢ શહેર 17, કેશોદ-5, ભેંસાણ અને માળીયા 3-3, માણાવદર-2, જૂનાગઢ ગ્રામ્ય, મેંદરડા, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયા છે.
પોરબંદર : પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે કેસ અને ગ્રામ્ય પંથકમાં 3 કેસ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા આંકડા જાહેર થયા છે તેમાં છેલ્લા 24 કલાકમાં 596 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 49 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.
બોટાદ : બોટાદ જિલ્લામાં આજે મંગળવારના રોજ 15 પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં હવેલી ચોક પાસે, ભાવનગર રોડ ઉપર, ઢાંકણીયા રોડ ઉપર, હજામની શેરી ખાતે, પાળીયાદ રોડ ઉપર, હીફલી વિસ્તારમાં, પટેલ બોર્ડિંગ પાસે, મારૂતિનગર ખાતે, ગઢડા રોડ ઉપર, પાંચપાડા વિસ્તારમાં, ગઢડાના ઉગામેડી ગામે, બરવાળા રામપરા ગામે, માંડવા ગામે, બરવાળા ખાતે, રેફડા ગામ, એમ આજે બોટાદ જિલ્લામાં 15 પોઝીટીવ કેસ નોંધાયા હતાં.
લખતર : આજે લખતર મામલતદાર કચેરીમાં 3 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં સબ રજિસ્ટ્રાર તેમજ બે રેવન્યુ તલાટી કોરોના પોઝીટીવ આવ્યા હતાં. ત્યારે તકેદારીનાં ભાગરૂપે લખતર મામલતદાર કચેરીનાં અન્ય કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. સાવચેતીના ભાગરૂપે લખતર મામલતદાર કચેરી 19-9-20ને શનિવાર સુધી બંધ રહેશે. ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના વધુ 38 કેસ સામે આવ્યા હતા. શહેરમાં રપ અને ગ્રામ્યમાં 13 કેસ નોંધાતા કુલ આંક 3560 થયો છે.
ધોરાજી: ધોરાજીમાં કોરોના આઠમી સદી પાર કરી દીધી છે એક જ દિવસમાં 36 કેસ પોઝિટિવ આવ્યા છે અને 814 કેસ પોઝિટિવ નોંધાયા છે છતાં તંત્ર સારી કામગીરી કરી રહ્યું છે તેવા સરકારને અહેવાલ આપી રહી છે. અગાઉ કોરોનાના દર્દીને રાજકોટ, સારવારમાં ખસેડાતા હતા પરંતુ આરોગ્ય વિભાગે હોમ કવોરટાઇન કરવાનું શરૂ કરતાં નવા કેસ વધી રહ્યા હોવાના આક્ષેપો  થઇ રહ્યા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 35 મૃત્યુ થયા છે.
મોરબી: મોરબી જિલ્લામાં આજે કોરોનાના વધુ 28 કેસ નોંધાયા છે. તાલુકામાં 15, 4 ગ્રામ્ય અને 11 શહેરી વિસ્તારમાં નવા કેસ થયા છે જેમાં વાંકાનેરના 4 કેસોમાં 2 ગ્રામ્ય અને 2 શહેરી વિસ્તારમાં, હળવદમાં 6 કેસોમાં 5 ગ્રામ્ય અને 1 શહેરી વિસ્તારમાં જ્યારે ટંકારામાં 3 કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. કુલ કેસનો આંક 1354 થયો છે.
અમરેલી: એક સમયે અમરેલી જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ ન હતો. આજે ઉલટી ગંગા સર્જાયેલ છે. અમરેલી જિલ્લામાં  દરરોજ 25 થી 30 પોઝિટિવ કેસમાંથી પચાસ ટકા કેસ અમરેલી શહેરનાં હોય છે. તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો શહેરમાં વિકટર પરિસ્થિતિ સર્જાશે. આજે અમરેલી જિલ્લાના 30 પોઝિટિવ કેસ નોંધાયેલ હતા. તેમાંથી અગિયાર કેસ શહેરના છે. અત્યાર સુધીમાં અમરેલીમાં કોરોનાથી અનેક મૃત્યુ થઇ ચૂકયા હોવા છતાં તંત્રના ચોપડે 30 જ મૃત્યુ દર્શાવાયા છે.
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાંથી 14 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો આવેલ છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડ 1249 પર પહોંચેલ છે. સુત્રાપાડાના 3, કોડીનારના 3, ઉનાના 5, તાલાલાના 2 અને અન્ય જિલ્લાના 1 મળી કુલ 14 પોઝિટિવ દર્દીઓ આવેલ છે.
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયામાં 2, દ્વારકામાં 6, ભાણવડમાં 4, કલ્યાણપુરમાં 1 નોંધાયા છે તેમજ વધુ 7 દર્દીઓની તબિયત સ્વસ્થ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જામનગરના સેવાભાવી કેશવાલા કોરોનાગ્રસ્ત
જામનગરના સેવાભાવી અગ્રણી અને સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ જેઠાભાઈ કેશવાલા આજે સાંજે કોરોનાથી સંક્રમિત બન્યા હતા.
તેમને સમર્પણ જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.  તેમણે જણાવ્યું હતું કે, મારી તબિયત એકંદર સારી છે. અલબત હોસ્પિટલો અને સેવા પ્રવૃતિઓ જરૂરી વ્યવસ્થાઓ સાથે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં કોરોનાથી મૃત્યુ સંખ્યા વધતા તેમણે જરૂર મુજબ શહેર અને સંલગ્ન વિસ્તારોને લક્ષમાં લઈને ત્રીજા સ્મશાન માટેનું નિર્માણ કાર્ય હાથ ધરેલું છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ જામનગર (હાપા) મારકેટ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ ગઈરાત્રે કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને જામનગરની ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતા. આજે જરૂરી સારવાર માટે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા છે.
--------------
જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગનાં હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ
જામનગર, તા.15 : જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં હંસાબેન નિનામા કોવિડ વોર્ડમાં મહિલાઓના વોર્ડના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. દર્દીઓની સારવાર દરમિયાન તેઓ કોરોના સંક્રમિત બનતાં કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતાં અને તેઓ બે દિવસથી વેન્ટિલેટર ઉપર હતાં. આજે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. કર્મચારી વર્ગમાં ભારે સોંપો પડી ગયો છે. જી.જી.હોસ્પિટલના બીજા સ્ટાફ નર્સનું મૃત્યુ નિપજ્યું છે.
--------------
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ખુદ કોરોનાગ્રસ્ત
વઢવાણ, તા.15: સુરેન્દ્રનગરમાં કોરોનાનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે ગઇ કાલે 44 કેસો હતાં. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી  પી.કે. પરમારને શંકાસ્પદ લક્ષણો જણાતા હોમ કવોરન્ટાઇન થયા છે. સુરેન્દ્રનગર શહેરમાં 11, ચોટીલામાં 11, લખતરમાં 10, ધ્રાંગધ્રામાં 10, મુળી અને પાટડીમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર -વઢવાણમાં સોના-ચાંદી એસોસીએશન દ્વારા બપોરના બેથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોની કામ કરતી 250થી વધુ દુકાનો બપોર પછી બંધ રહેશે. જ્યારે ચોટીલામાં પણ 30-9 સુધી બપોર પછી દુકાનો બંધ રહેશે સરકારે ભલે છુટ આપી પણ કોરોના ગયો નથી એ સૌએ સમજવું પડશે.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer